News of Saturday, 8th August 2026
અનધિકૃત ઝામ્બિયા લીગ રમવા ગયેલા પાકિસ્તાની ક્રિકેટરોની હાલત કફોડી: પૈસા પણ ના મળ્યા અને PCB એ ફટકાર્યો ૨ વર્ષનો આકરો પ્રતિબંધ!
મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ સહિતના સ્ટાર્સ છેતરાયા; હોટલ અને એરપોર્ટ પર ભારે ફજેતી બાદ ખાલી હાથે દેશ પરત ફરતા ક્રિકેટરોમાં ફફડાટ!

નવી દિલ્હી : આફ્રિકાના ઝામ્બિયા દેશમાં આયોજિત બિન-માન્યતા પ્રાપ્ત T20 'એશિયન લિજેન્ડ્સ લીગ'માં ભાગ લેવા ગયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લુસાકા ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રમવા ગયેલા ખેલાડીઓને નક્કી કરેલી મેચ ફી પણ મળી નથી અને બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બોર્ડની પૂર્વ મંજૂરી (NOC) લીધા વિના લીગ રમવા બદલ તમામ ક્રિકેટરો પર ૨ વર્ષનો આકરો પ્રતિબંધ ફટકારી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એશિયન સ્ટાર્સ, પાકિસ્તાન પેન્થર્સ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમો સાથેની આ લીગ ૨ ઓગસ્ટથી શરૂ થવાની હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝ, વિકેટકીપર કામરાન અકમલ, સોહેલ તનવીર, ઇમરાન નઝીર, યાસીર શાહ અને મોહમ્મદ ઇરફાન સહિતના અનેક જાણીતા ખેલાડીઓ તેમાં ભાગ લેવા લુસાકા પહોંચ્યા હતા. ભારતના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ પણ ગયા હતા, પરંતુ આ ટુર્નામેન્ટને ઝામ્બિયા ક્રિકેટ યુનિયન (ZCU) ની અધિકૃત મંજૂરી ન હોવાની જાણ થતાં જ રાયડુ રમેશ રમ્યા વિના પરત ફર્યા હતા.
ઝામ્બિયામાં આયોજકો દ્વારા હોટલના બિલ અને મુસાફરીનો ખર્ચ ચૂકવવામાં ન આવતાં ખેલાડીઓને હોટલે રૂમ આપવાનો ઈનકાર કરી દીધો હતો અને એરપોર્ટ પર પણ ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. છેવટે લીગ રદ થઈ ગઈ હતી. PCB ના ચેરમેન મોહસિન નકવી દ્વારા આકરો પ્રતિબંધ લાદવામાં આવતાં હવે તમામ ક્રિકેટરો દયાની યાચના કરી રહ્યા છે. કામરાન અકમલે સોશિયલ મીડિયા પર PCB ને સજા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે કે ખેલાડીઓની રોજીરોટી ક્રિકેટ પર જ નિર્ભર છે અને એજન્ટોના વિરોધાભાસી દાવાઓને કારણે તેઓ છેતરાયા હતા.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
