News of Sunday, 9th August 2026
ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત: અત્યાર સુધીમાં ૪.૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન!
બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પર જાળવણી કાર્ય અને સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્રનો મોટો નિર્ણય; ૨૮ ઓગસ્ટે ચડી મુબારક સાથે યાત્રાનું થશે સત્તાવાર સમાપન!

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ને લઈને વહીવટીતંત્રે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં પણ પ્રતિકૂળ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને, ૯ ઓગસ્ટથી બંને મુખ્ય માર્ગો પરથી અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આ વર્ષે ૫૭ દિવસની આ પવિત્ર યાત્રા ૩ જુલાઈથી અનંતનાગ જિલ્લાના ચંદનવારી (પહેલગામ) અને ગાંદરબલ જિલ્લાના બાલતાલ રૂટ પરથી એકસાથે શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં ૪.૮ લાખથી વધુ ઉત્સાહી યાત્રાળુઓ પવિત્ર ગુફા મંદિર ખાતે પહોંચીને બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.
સતત વરસાદને કારણે યાત્રા માર્ગના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન અને ક્ષતિ પહોંચતા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા તાકીદે સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કાશ્મીરના વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે પરંપરાગત સમાપન સમારોહ 'ચડી મુબારક' ૨૮ ઓગસ્ટના રોજ પહેલગામ માર્ગ દ્વારા વિધિવત રીતે યોજાશે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષા સૂચનાઓનું કડકપણે પાલન કરવા વિનંતી કરી છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
