<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

અમેરિકા-ઈરાન યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાલત કફોડી: 'ન ગળી શકાય, ન થૂંકી શકાય' જેવી સ્થિતિ વચ્ચે યુદ્ધમાંથી બહાર નીકળવા હવાતિયાં!

હવાઈ હુમલા નિષ્ફળ જતાં અને પર્વતીય વિસ્તારોમાં ભૂમિ યુદ્ધના ડરે વોશિંગ્ટનને ચિંતામાં મૂક્યું; ઓમાનની મધ્યસ્થી અને હોર્મુઝની સામુદ્રધુની યુદ્ધવિરામ માટે મુખ્ય ચાવી બની!

વોશિંગ્ટન: ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થયેલું અમેરિકા અને ઈરાન વચ્ચેનું ગંભીર યુદ્ધ હવે અત્યંત જટિલ વળાંક પર પહોંચી ગયું છે. વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ હોવા છતાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ સંઘર્ષ "ન તો ગળી શકાય કે ન તો થૂંકી શકાય" જેવી ધર્મના સંકટ સમાન સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અવિરત હવાઈ હુમલાઓ છતાં ઈરાનને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં પેન્ટાગોન નિષ્ફળ રહ્યું છે, જેના કારણે હવે અમેરિકન વ્યૂહરચનાકારો કોઈ મોટું ભૂમિ યુદ્ધ લડ્યા વિના સલામત રીતે બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા છે.

 

યુદ્ધની શરૂઆતથી જ પ્રમુખ ટ્રમ્પના વલણમાં સતત ફેરફારો જોવા મળ્યા છે. ૨૧ માર્ચે ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ તારીખ લંબાવવી, ૧ એપ્રિલે 'પથ્થર યુગ'માં ધકેલી દેવાની ધમકી આપીને હુમલો ન કરવો, અને મે મહિનામાં "ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ" ની જાહેરાત કરીને બે દિવસમાં તેને અટકાવી દેવું એ દર્શાવે છે કે વોશિંગ્ટન ભારે દબાણ હેઠળ છે. ઈરાનની ભૌગોલિક સ્થિતિ અત્યંત દુર્ગમ અને પર્વતીય હોવાથી તેમજ તેમના મહત્વના પરમાણુ સ્થાપનો જમીનની ઊંડાણમાં હોવાથી, ભૂમિ સૈનિકો મોકલવાનો અર્થ વિયેતનામ કે અફઘાનિસ્તાન જેવી ભયાનક સ્થિતિનું પુનરાવર્તન થઈ શકે છે, જે ટ્રમ્પ માટે મોટું રાજકીય જોખમ છે.

 

બીજી તરફ, ઈરાને પણ લશ્કરી મોરચા સાથે આર્થિક મોરચે અમેરિકા પર ભારે દબાણ બનાવ્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ અને ગેસનો વૈશ્વિક પુરવઠો રોકાવાની ભીતિથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ફુગાવો વધવાની શક્યતા સર્જાઈ છે. હાલમાં ઓમાન દેશની મધ્યસ્થી હેઠળ સુરક્ષિત શિપિંગ રૂટ માટે વાટાઘાટો ચાલી રહી છે. જોકે, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્પષ્ટ કર્યું છે કે યુએસ દ્વારા આર્થિક પ્રતિબંધો અને નાકાબંધી હટાવવામાં આવ્યા બાદ જ શાંતિ શક્ય બનશે, જે દર્શાવે છે કે યુદ્ધવિરામનો માર્ગ શરતોના જાળમાં ફસાયેલો છે.

(12:40 AM IST)