News of Sunday, 9th August 2026
ઓસ્ટ્રેલિયાની ધરતી પર નવ વર્ષની માહીએ જગાવ્યો રાષ્ટ્રપ્રેમનો જ્વલંત સંદેશ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ થયા ભાવવિભોર
જુનાગઢ મૂળના જનસંઘી પરિવારની ત્રીજી પેઢીએ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિનો ગૌરવ વધાર્યો

વિનુ જોષી દ્વારા, (જૂનાગઢ) : જુનાગઢની ધરતી સાથે જોડાયેલા અને જનસંઘના સંસ્કારોથી સિંચાયેલા પરિવારની ત્રીજી પેઢીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, માતૃભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો એવો અવિસ્મરણીય સંદેશ આપ્યો કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ભાવવિભોર બની ગયા હતા. આ પ્રસંગ આજે પણ ત્યાં ઉપસ્થિત ભારતીયો માટે ગૌરવની ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે.
મૂળ જુનાગઢના વતની અને જનસંઘના વરિષ્ઠ કાર્યકર પિયુષભાઈ દેસાઈએ પોતાના રાજકીય જીવન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે જનસંઘના સમયમાં કાર્ય કર્યું હતું. રાષ્ટ્રપ્રેમ અને સંઘના સંસ્કારોને જીવનમૂલ્ય બનાવનાર આ પરિવારના પુત્ર શ્રી જીજ્ઞેશ દેસાઈ વર્ષ ૨૦૦૮થી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. વિદેશમાં વસવાટ છતાં તેમણે પોતાના પરિવારને ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય ગૌરવ અને સંસ્કારો સાથે સતત જોડીને રાખ્યો છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા ત્યારે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી એન્થની આલ્બનીઝની ઉપસ્થિતિમાં ભારતીય સમુદાયને સંબોધવા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં બ્રિસબેનથી શ્રી જીજ્ઞેશ દેસાઈ પોતાની નવ વર્ષની પુત્રી માહી દેસાઈને સાથે લઈને ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં સૌનું ધ્યાન નાની માહી તરફ ગયું હતું. માહીએ પહેરેલા સફેદ ટી-શર્ટના આગળના ભાગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા તેમના પૂજ્ય માતા હીરાબાનો ફોટો છપાવેલો હતો, જ્યારે પાછળના ભાગમાં મોદીજીના ચિત્ર સાથે લખેલું હતું – "એક હી દેશ હૈ ભારત, જો વિશ્વ કી મહાસત્તા બનને જા રહા હૈ."
કાર્યક્રમ દરમિયાન જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી એન્થની આલ્બનીઝ ઉપસ્થિત લોકોને અભિવાદન સ્વીકારતા આગળ વધી રહ્યા હતા, ત્યારે શ્રી મોદીની નજર અચાનક નાની માહી પર પડી. તેઓ તરત જ ત્યાં રોકાઈ ગયા અને માહીના ટી-શર્ટ પર દર્શાવાયેલા પોતાની માતા હીરાબાના ચિત્ર તરફ આલ્બનીઝનું ધ્યાન દોર્યું. તેમણે હીરાબાના જીવનમૂલ્યો અને સંસ્કારો વિશે સંક્ષિપ્ત પરિચય પણ આપ્યો.
ત્યારબાદ ટી-શર્ટની પાછળ લખાયેલા સંદેશને જોઈ પ્રધાનમંત્રી મોદીએ આલ્બનીઝને કહ્યું કે, "જુઓ... આ છે અમારો રાષ્ટ્રપ્રેમ." આ શબ્દો સાથે સમગ્ર વાતાવરણ ગર્વ અને ભાવનાથી છલકાઈ ઊઠ્યું. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ નાની માહીને પોતાના પાસે બોલાવી સ્નેહપૂર્વક આશીર્વાદ આપ્યા, તેની પ્રશંસા કરી અને આ અનોખા રાષ્ટ્રપ્રેમના પ્રદર્શનને હૃદયપૂર્વક બિરદાવ્યું. આ ક્ષણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્પષ્ટપણે ભાવવિભોર થઈ ગયા હતા.
આ મુલાકાત દરમિયાન માહી દેસાઈ સાથે તેમના પિતા શ્રી જીજ્ઞેશ દેસાઈ તેમજ શ્રી ચેતનભાઈ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને વિક્ટોરિયા રાજ્યની અનેક અગ્રણી ટેલિવિઝન ચેનલો તથા અખબારોએ વિશેષ સ્થાન આપી ભારતીય સંસ્કૃતિ, પરિવારના સંસ્કારો અને રાષ્ટ્રપ્રેમની અનોખી અભિવ્યક્તિ તરીકે સરાહના કરી હતી.
આ ગૌરવપૂર્ણ સમાચાર જુનાગઢ પહોંચતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, જુના જનસંઘી શ્રી જીતુભાઈ ભીંડી તથા શહેરના આગેવાનોએ નાની માહી દેસાઈને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિ, માતૃભક્તિ અને રાષ્ટ્રપ્રેમને જીવંત રાખનારી માહી સમગ્ર સમાજ માટે પ્રેરણાનું પ્રતિક બની છે.
નવ વર્ષની એક બાળકી દ્વારા વ્યક્ત થયેલો આ નિર્દોષ પરંતુ પ્રખર રાષ્ટ્રપ્રેમ એ માત્ર એક પરિવારનો ગૌરવ નથી, પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ છે. આવી પેઢી જ ભારતના ઉજ્જ્વળ ભવિષ્ય અને વિશ્વગુરુ બનવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
