News of Sunday, 9th August 2026
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પરિમલભાઈ નથવાણીએ ગિર અને એશિયાઈ સિંહો સાથેના ચાર દાયકાના સંસ્મરણો વાગોળ્યા : સિંહોના સંરક્ષણ અને સુરક્ષા અંગે રજૂ કર્યા મહત્વના વિચારો
૧૯૮૭માં ૨૦૦ની વસ્તીથી વધીને સિંહોની સંખ્યા ૮૯૧ થવાને વિશ્વની સૌથી સફળ વન્યજીવ સંરક્ષણ ગાથા ગણાવી : ખુલ્લા કૂવા, રેલવે ટ્રેક ફેન્સિંગ અને ધ્વનિ-પ્રકાશના પ્રદૂષણ રોકવા અંગે હાથ ધરાયેલા કાર્યોની આપી વિગતો

રાજકોટ : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ ગિર અને એશિયાઈ સિંહો સાથેના પોતાના ચાર દાયકા જૂના આત્મિય નાતા અંગે પોતાના ભાવનાત્મક વિચારો અને અનુભવો રજૂ કર્યા છે. તેમણે ગિર અને સિંહોને પોતાની ચેતનાનો એક અભિન્ન હિસ્સો ગણાવ્યા છે અને ગિર પર લખેલી પોતાની કૉફી ટેબલ બુક “કૉલ ઑફ ધ ગિર” નો ઉલ્લેખ કર્યો છે.
પરિમલભાઈ નથવાણીએ જણાવ્યુ હતું કે, જ્યારે તેમણે વર્ષ ૧૯૮૭માં પહેલી વાર સાસણમાં પગ મૂક્યો ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા માત્ર ૨૦૦ની આસપાસ હતી. આજે બૃહદ ગિરના વિશાળ ભૂ-ભાગમાં સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ છે. વૈશ્વિક ધોરણે વન્યજીવ સંરક્ષણની આ સૌથી સફળ ગૌરવ ગાથા છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સક્રિય માર્ગદર્શન તેમજ વન વિભાગના અધિકારીઓ, ગાર્ડ્સ, ટ્રેકર્સ, પશુચિકિત્સકો, સિંહ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોની નિષ્ઠાવાન કામગીરીનું પરિણામ છે.
સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે હાથ ધરાયેલી કામગીરી:
ગિર અને સિંહોની સુરક્ષા માટે કરવામાં આવેલા પ્રયાસોની વિગતો આપતા તેમણે જણાવ્યુ હતું કે, અકસ્માતો અટકાવવા માટે ખુલ્લા કૂવાઓ અને રેલવે ટ્રેક પર કાળજી રાખવામાં આવી છે. ૨૮૨૮ જેટલા ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ કઠેડા બાંધવામાં આવ્યા છે, તેમજ રેલવે લાઇન પર સિંહો ન ચડી જાય તે માટે જાળીદાર ફેન્સિંગ અને ટ્રેનોની ગતિ નિયંત્રિત કરવા પ્રયત્નો કરાયા છે.
આ ઉપરાંત, સિંહોને વાઇરસજન્ય બીમારીઓથી બચાવવા 'વંતારા'ના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી. સિંહો વચ્ચેની વર્ચસ્વની લડાઈમાં ઘવાયેલા 'જય-વીરુ' નામના દંતકથારૂપ સિંહ દ્વયને બચાવવા માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે સંસદ અને અન્ય સરકારી મંચો પર સિંહોના પ્રશ્નો સતત ઉઠાવ્યા છે.
બદલાતું પર્યાવરણ અને ભવિષ્યના પડકારો:
હાલના સમયમાં સિંહ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખૂલી ગયેલા રિસોર્ટ અને હોમ સ્ટેના કારણે વધી રહેલા ધ્વનિ તથા પ્રકાશના પ્રદૂષણ સામે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યુ હતું કે, આ પ્રદૂષણ અટકાવવા માટે તેમણે સરકારને અપીલ કરી છે. ચાર દાયકા પહેલાના ગિરની સરખામણીએ આજે સિંહો અભયારણ્ય બહારના આરક્ષિત જંગલોના ટુકડાઓ, કાંટાળી ઝાડીઓ, નદી-નાળાં અને ખેતી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે. સિંહોએ તાજેતરમાં જાતે જ બરડાને પોતાના બીજા રહેઠાણ તરીકે પસંદ કર્યું છે, જે તેમની અનુકૂલન ક્ષમતા દર્શાવે છે.
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તેમણે સૌ નાગરિકોને ગિરને પ્રદૂષિત ન કરવા અને સિંહોને પજવણી ન કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
