<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

શસ્ત્રક્રિયા ટેબલ પર અસહ્ય દુખાવા વચ્ચે પણ સંગીતનો જાદુ વિખેરતા સોનુ નિગમ: ઓપરેશન થિયેટરમાં તબીબો અને મેડિકલ સ્ટાફ માટે ગાયું મોહમ્મદ રફીનું ૭૭ વર્ષ જૂનું કલ્ટ સોંગ 'સુહાની રાત ઢલ ચૂકી'

​નસોની ગંભીર બીમારીથી પીડાતા બોલિવૂડના દિગ્ગજ ગાયકે સર્જરી દરમિયાન અચાનક આપેલી સરપ્રાઇઝ પરફોર્મન્સનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો; ચાહકો અને બોલિવૂડ હસ્તીઓએ ઝડપી સાજા થવાની કામના કરી

​મુંબઈ:બોલિવૂડના પ્રખ્યાત અને લોકપ્રિય ગાયક સોનુ નિગમ પોતાના અવાજ અને ગાયકી પ્રત્યેના સમર્પણ માટે જાણીતા છે. તાજેતરમાં તેમનો એક ચોંકાવનારો અને ભાવુક કરી દે તેવો વિડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સર્જરી ટેબલ પર સૂતા સૂતા જ તબીબો અને મેડિકલ સ્ટાફ માટે ગીત ગાઈ રહ્યા છે. ગંભીર શારીરિક પીડા વચ્ચે પણ સંગીત પ્રત્યેનો તેમનો આ પ્રેમ જોઈને તબીબો અને ચાહકો દંગ રહી ગયા છે.

​મળતી વિગતો અનુસાર, સર્જરી દરમિયાન સોનુ નિગમે હિન્દી સિનેમાના મહાન ગાયક મોહમ્મદ રફીનું ૧૯૪૯ની ફિલ્મ 'દુલારી'નું અંદાજે ૭૭ વર્ષ જૂનું સદાબહાર કલ્ટ ગીત 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે' ગાઈને ઓપરેશન થિયેટરના વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. ગંભીર સર્જરી ચાલી રહી હોવા છતાં તેમના અવાજની મધુરતા અને લય જળવાઈ રહ્યા હતા, જેને સાંભળીને ત્યાં હાજર ડોક્ટરો અને મેડિકલ ટીમ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

​સોનુ નિગમે આ અનોખી ક્ષણનો વિડિયો પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. વિડિયો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, "મારી સર્જરી દરમિયાન પ્યારા ડોક્ટર અને તેમની ટી માટે એક અચાનક આપેલી પરફોર્મન્સ. અસહ્ય દર્દમાં પણ ગાવું એ જ સંગીતનો સાચો આનંદ છે." આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મનોરંજન જગતની હસ્તીઓ અને લાખો ચાહકોએ તેમની હિંમતની પ્રશંસા કરી હતી અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થનાઓ કરી હતી.

​ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમ છેલ્લા કેટલાક સમયથી નસો સંબંધિત એક અત્યંત દર્દનાક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ બીમારીના ઈલાજ માટે તેમણે અગાઉ અનેક એમઆરઆઈ (MRI) અને સીટી સ્કેન (CT Scan) કરાવ્યા હતા. આ સારવાર અંગે વાત કરતા તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે, ફિઝિયોથેરપી તેમના માટે અત્યંત પીડાજનક અનુભવ રહ્યો છે અને તેઓ ભારે માત્રામાં પેઇનકિલર્સ (દર્દશામક દવાઓ) લઈ રહ્યા હતા, જેના કારણે તેમના ગળા પર પણ અસર પડી હતી. આમ છતાં, સર્જરીના આ મુશ્કેલ સમયમાં પણ તેમણે સંગીત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ અને જુસ્સો બહાલ રાખ્યો હતો.

(5:32 PM IST)