News of Sunday, 9th August 2026
ઝારખંડમાં યુવાનોનો 'મહાસંગ્રામ': સોરેન સરકાર JPSC પરીક્ષા રદ કરવા તૈયાર : પણ CBI તપાસ સામે સ્પષ્ટ ઇનકાર
સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની પાંચ કલાક લાંબી ત્રીજા રાઉન્ડની વાટાઘાટો પણ નિષ્ફળ જતાં વણસી સ્થિતિ : JSSC-CGL રદ કરવાની અને CBI તપાસની મુખ્ય માંગણીઓ ન સંતોષાતાં હજારો વિદ્યાર્થીઓ નવી વિધાનસભા તરફ 'વિધાનસભા ઘેરાવ' માર્ચ કરશે

રાંચી: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક મામલે હેમંત સોરેન સરકાર અને અકળાયેલા વિદ્યાર્થીઓ વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિદ્યાર્થી સંગઠનો અને શાસક પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે ચાલેલી પાંચ કલાકથી વધુ સમયની ત્રીજા રાઉન્ડની વાટાઘાટો બાદ પણ કોઈ નક્કર પરિણામ આવી શક્યું નથી. રાજ્યના મંત્રી સુદિબ્યા સોનુએ દાવો કર્યો છે કે સરકારે ૧૪મી JPSC પ્રાથમિક પરીક્ષા અને બેકલોગ ભરતીઓ રદ કરવા વિચારણા તેમજ ૯૮% માંગણીઓ સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. જોકે, સોરેન સરકારે CBI તપાસ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને તેની જગ્યાએ CID તથા ED દ્વારા તપાસ ઉપરાંત નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ ન્યાયિક સમિતિ બનાવવાની ઓફર કરી છે, જેને વિદ્યાર્થીઓએ સરેઆમ ફગાવી દીધી છે.
વિદ્યાર્થીઓનો મુખ્ય અસંતોષ JSSC-CGL પરીક્ષા રદ ન કરવા અને કેન્દ્રીય તપાસ એજન્સી CBIને તપાસ ન સોંપવા સામે છે. સરકારનું કહેવું છે કે CGL પરીક્ષા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ યોજાઈ હતી, તેથી સરકાર પાસે તેને એકતરફી રીતે રદ કરવાનો અધિકાર નથી. બીજી તરફ, રોષે ભરાયેલા યુવાનોનો આરોપ છે કે રાજ્ય પોલીસની CID તપાસ માત્ર નિચલા સ્તરના કર્મચારીઓ સુધી સીમિત રહે છે અને મુખ્ય 'પેપર લીક માફિયાઓ' બચી નીકળે છે. વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત એજન્સી TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવે અને તમામ ભરતીઓની CBI તપાસ કરાવવામાં આવે, તે સિવાય તેઓ આંદોલન સમેટવા તૈયાર નથી.
વાટાઘાટો નિષ્ફળ જતાં અસંતુષ્ટ યુવાનોએ હવે આરપારની લડાઈ તરીકે 'મહાસંગ્રામ' માર્ચની જાહેરાત કરી દીધી છે. સોમવારે સવારે ૧૦ વાગ્યાથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જૂની વિધાનસભાથી નવી વિધાનસભા સંકુલ તરફ કૂચ કરી 'વિધાનસભા ઘેરાવ' કરશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને રાંચીના સદર SDM દ્વારા નવી વિધાનસભા તેમજ ઝારખંડ હાઈકોર્ટ સંકુલના ૭૫૦ મીટરના ત્રિજ્યામાં BNS ની કલમ ૧૬૩ (જૂની 144 CrPC) લાગુ કરી દેવામાં આવી છે. દરમિયાન, મુખ્યમંત્રી હેમંત સોરેને યુવાનોને રાજકીય રીતે ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરતાં જણાવ્યું કે સરહદ પર ગોળીઓ જરૂરી છે, રાજ્યના યુવાનો સામે નહીં; પરંતુ ભવિષ્યને લઈને ચિંતિત ઉમેદવારો પોતાની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા મક્કમ છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
