<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

શું ફેસબુક-ઇન્સ્ટાગ્રામના 'અંતિમ દિવસો' શરૂ થવાના આરે? : ભારતમાં ગાળિયો કસાતા જ અમેરિકામાં મેટા સામે ફાટી નીકળ્યો ભારે જનઆક્રોશ

રોઇટર્સના ચોંકાવનારા પોલમાં ૬૧% અમેરિકનોએ સોશિયલ મીડિયા પર આકરાં સરકારી નિયંત્રણોની કરી માંગ : જનરેશન-ઝેડ અને બાળકોને વ્યસની બનાવી માનસિક સ્વાસ્થ્ય જોખમાવવાનો આક્ષેપ ઝુકરબર્ગ સામે $૧.૪ ટ્રિલિયન સુધીના દંડ અને કાનૂની આફતનું સંકટ

વોશિંગ્ટન: ભારતમાં ડિજિટલ નિયમોના ઉલ્લંઘન અને ગેરરીતિઓ બદલ મેટાના માલિક માર્ક ઝુકરબર્ગને માફી માગવાની ફરજ પડ્યા બાદ હવે ટેક જાયન્ટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું હોમ ગ્રાઉન્ડ ગણાતા અમેરિકામાં પણ આ કંપનીઓ સામે ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. રોઇટર્સ અને ઇપ્સોસ (Reuters/Ipsos) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સનસનાટીભર્યા રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ૬૧% અમેરિકનોએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તાત્કાલિક કડક નિયંત્રણો લાદવા જોઈએ. આ આંકડા સામે આવ્યા બાદ વૈશ્વિક ટેક જગતમાં ચર્ચાનો દોર શરૂ થયો છે કે શું યુવાનો અને ખાસ કરીને Gen-Z ને પોતાના વ્યસની બનાવતી આ ડિજિટલ મંચો હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે.

સર્વેક્ષણમાં ખાસ કરીને બાળકો અને કિશોરોના રક્ષણ માટે કઠોર કાયદા બનાવવાની માંગ ઉઠી છે. ૬૬% અમેરિકનોએ માંગ કરી છે કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક વય-ચકાસણી ફરજિયાત બનાવવી જોઈએ, જેને ૭૪% રિપબ્લિકન અને ૬૯% ડેમોક્રેટ્સ એમ બંને પક્ષોના નાગરિકોનું જંગી સમર્થન મળ્યું છે. ૮૫% લોકોનું માનવું છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બાળકોને માનસિક રીતે બીમાર અને વ્યસની બનાવી રહ્યા છે. અમેરિકાના એક ડઝનથી વધુ રાજ્યોએ પહેલાથી જ સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર કાનૂની આંકુશ મૂકવાનું શરૂ કરી દીધું છે, જ્યારે ન્યૂ મેક્સિકોની અદાલતે મેટાને કિશોરોના માનસિક સ્વાસ્થ્ય ભંડોળમાં $૫૬૭ મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ, કાનૂની લડાઈમાં ઘેરાયેલી કંપની મેટા જો આ કેસોમાં દોષિત ઠરે તો તેને $૧.૪ ટ્રિલિયન સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. જોકે, નેટચોઇસ જેવી સંસ્થાઓ મારફતે મેટા, ટિકટોક અને સ્નેપચેટ વય-ચકાસણીના કાયદાઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પરોક્ષ હુમલો ગણાવી અદાલતમાં પડકારી રહ્યા છે. સર્વેમાં ભાગ લેનારા ૭૦% લોકો સોશિયલ મીડિયાને મનોરંજક માનતા હોવા છતાં, બાળકો ભવિષ્યના સુરક્ષિત વાતાવરણમાં ઉછરે તે માટે ટેક કંપનીઓની તાનાશાહી પર સરકારી લગામ ઇચ્છે છે, જે દર્શાવે છે કે આ ટેક જાયન્ટ્સ માટે આગામી સમય ભારે પડકારોથી ભરેલો રહેશે.

(8:26 PM IST)