<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

પીઓકેમાં જનઆક્રોશ સામે પાકિસ્તાન સરકારે ટેકવ્યા ઘૂંટણ: જેમને 'ભારતીય એજન્ટ' કહ્યા : હવે તેમને જ ગણાવ્યા દેશભક્ત!

શરીફ સરકારનો સનસનાટીભર્યો યુ-ટર્ન : PoK માં ચૂંટણીઓ અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ગૃહ સલાહકાર રાણા સનાઉલ્લાહે આંદોલનકારીઓને ગણાવ્યા "દેશભક્ત ભાઈઓ" : ૪૦૦ થી વધુ પ્રદર્શનકારીઓના મોત અને આક્ષેપો વચ્ચે પાકિસ્તાની સત્તાધીશોની નમતુ જોખવાની ફરજ પડી

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સતત વધી રહેલા અસંતોષ, ઉગ્ર જનઆંદોલન અને લોહિયાળ વિરોધ પ્રદર્શનો આગળ આખરે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર સંપૂર્ણપણે ઝૂકી ગઈ છે. ગઈકાલ સુધી જે પ્રદર્શનકારીઓ અને સંયુક્ત આવામી એક્શન કમિટી (JAAC) ના નેતાઓને પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફ અને સત્તાધીશો "ભારતીય એજન્ટ" અને "દેશના દુશ્મન" ગણાવી રહ્યા હતા, તેમને જ હવે અચાનક "દેશભક્ત ભાઈઓ" કહીને સરકારે પોતાની શરણાગતિ સ્વીકારી લીધી છે. ચૂંટણીના માહોલ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાનના રાજકીય સલાહકાર રાણા સનાઉલ્લાહે જાહેરમાં સ્વીકાર્યું છે કે આંદોલનકારીઓમાંથી ૯૯ ટકા લોકો દેશભક્ત છે અને સરકાર ચૂંટણી પૂરી થતાં જ તેમની સાથે ટેબલ ટોક કરીને તમામ મુદ્દાઓનો ઉકેલ લાવશે.

પાકિસ્તાની સત્તાધીશોનો આ યુ-ટર્ન એવા સમયે આવ્યો છે જ્યારે PoK માં યોજાઈ રહેલી કથિત સંસદીય ચૂંટણીઓમાં વ્યાપક ધાંધલધામલી, હિંસા અને લશ્કરી અત્યાચારના આરોપોથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાન નગ્ન થઈ ચૂક્યું છે. JAAC નો આક્ષેપ છે કે જૂન મહિનાથી શરૂ થયેલા આ જનઆંદોલનમાં અત્યાર સુધીમાં પાકિસ્તાની સુરક્ષા દળોના અંધાધૂંધ ગોળીબારમાં મહિલાઓ અને બાળકો સહિત ૪૦૦ થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. આ તરફ ભારતે પણ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને ફગાવી દેતાં જણાવ્યું છે કે PoK માં ફાટી નીકળેલો જનઆક્રોશ એ પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા ત્યાંના સ્થાનિક લોકો પર કરવામાં આવતા આર્થિક શોષણ, માનવાધિકારના હનન અને જુલ્મનું સીધું પરિણામ છે.

જૂન મહિનાથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, વકીલો અને સામાન્ય નાગરિકો આર્થિક કટોકટી અને મોંઘવારી સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે સંયુક્ત રાષ્ટ્ર, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ પાકિસ્તાને પણ આ હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. શાહબાઝ શરીફની પાર્ટી PML-N ધાંધલધામલી કરીને ૪૫ માંથી ૨૫ બેઠકો પર જીતનો દાવો કરી રહી છે, પરંતુ જનતાના રોષથી બચવા અને પોતાની ખુરશી સલામત રાખવા માટે પાકિસ્તાની શાસકોએ હવે જેમને રાષ્ટ્રદ્રોહી કહ્યા હતા તેમની જ સામે હાથ જોડવાની ફરજ પડી છે.

(8:28 PM IST)