<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

કોસોવોની સંસદમાં હંગામો: વિપક્ષી મહિલા સાંસદે કાર્યકારી વડાપ્રધાન આલ્બિન કુર્તી પર ઈંડા ફેંક્યા

ગઠબંધન સરકાર બનાવવામાં નિષ્ફળ રહેલા પીએમ કુર્તી પર વિપક્ષી સાંસદ ટાઈમ કાદ્રિજાજે "શરમ આવવી જોઈએ" ના નારા સાથે કર્યો હુમલો: લાઈવ પ્રસારણ અટકાવી સુરક્ષા કર્મચારીઓએ વડાપ્રધાનને કોર્ડન કર્યા

પ્રિસ્ટિના: કોસોવોની સંસદમાં  રાજકીય ડ્રામા અને હંગામાના વિસ્ફોટક દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે એક વિપક્ષી મહિલા સાંસદે ચાલુ સભા દરમિયાન કાર્યકારી વડાપ્રધાન આલ્બિન કુર્તી પર સંસદની અંદર જ ઈંડા ફેંકી દીધા હતા. ૭ જૂને યોજાયેલી સાર્વત્રિક ચૂંટણીઓ બાદ પણ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા કોસોવોમાં નવી સરકારની રચના અંગે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન વિપક્ષી પાર્ટીના સાંસદ ટાઈમ કાદ્રિજાજ આગળની હરોળમાં બેઠેલા પીએમ કુર્તી પાસે ધસી ગયા હતા અને "તમને શરમ આવવી જોઈએ!" તેવા મોટેથી આકરા સૂત્રોચ્ચાર કરીને તેમના પર એક પછી એક ઈંડા ફેંકવાનું શરૂ કર્યું હતું. આ અણધાર્યા હુમલાથી ગૃહમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સંસદના અધ્યક્ષે તાત્કાલિક લાઈવ ટેલિવિઝન પ્રસારણ બંધ કરવાનો આદેશ આપી કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

આ હુમલા બાદ સુરક્ષા કર્મચારીઓ અને સાથી સાંસદોએ તાત્કાલિક કાર્યકારી વડાપ્રધાનને ઘેરી લઈને સુરક્ષિત કવચ પૂરું પાડ્યું હતું. પોતાના પર થયેલા આ અનોખા વિરોધ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતાં પીએમ આલ્બિન કુર્તી એકદમ શાંત અને અવિચલિત દેખાયા હતા. તેમણે માર્મિક લહેકામાં જણાવ્યું હતું કે, "જો મારા પર ઈંડા ફેંકવા એ દેશમાં રાજકીય સંવાદ અને લોકશાહીને જીવંત રાખવાની કિંમત હોય, તો હું તે કિંમત ચૂકવવા માટે સહર્ષ તૈયાર છું." વાસ્તવમાં, કુર્તી સંસદના અધ્યક્ષ પદ માટે ઉમેદવારની જાહેરાત કરવા આવ્યા હતા, પરંતુ કરાર ન થતાં તેમણે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર સર્વસંમતિ સાધવા માટે સંસદ પાસે વધુ સમય માંગ્યો હતો, જેનાથી અકળાયેલા વિપક્ષે આ આક્રમક માર્ગ અપનાવ્યો હતો.

કોસોવો લાંબા સમયથી ગંભીર રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં બહુમતીના અભાવે બે વર્ષ કરતાં ઓછા સમયમાં ત્રણ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ૭ જૂનની ચૂંટણીમાં કુર્તીની પાર્ટી 'વેટેવેન્ડોસ્જે' ૧૨૦ માંથી ૫૩ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ ૧૮ બેઠકો ધરાવતી 'ડેમોક્રેટિક લીગ ઓફ કોસોવો' (LDK) અને ૨૨ બેઠકો ધરાવતી 'PDK' સાથે વાટાઘાટો નિષ્ફળ જતાં સરકાર રચવાનો કોકડું ગૂંચવાયું છે. બંધારણીય કાયદા મુજબ જો નિર્ધારિત સમયમર્યાદામાં રાષ્ટ્રપતિ અને નવી સરકારની ચૂંટણી પર સર્વસંમતિ નહીં સધાય, તો કોસોવોએ આપમેળે જ બે વર્ષમાં ચોથી વખત આકરી સંસદીય ચૂંટણીઓનો સામનો કરવો પડશે.

(8:28 PM IST)