<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

DGCAનો ચોંકાવનારો ખુલાસો: ૨૦૨૫માં વિમાનોમાં ટેકનિકલ ખામીઓમાં ધરખમ વધારો : ૮૮૯ ઘટનાઓ નોંધાઈ

લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર વિમાન સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા : ૨૦૨૪ની સરખામણીએ ટેકનિકલ ખામીઓમાં મોટો ઉછાળો આવતા ડીજીસીએ દ્વારા સુરક્ષા નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરાઈ

નવી દિલ્હી:  હવાઈ સફર કરનારા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં ઉડાન દરમિયાન વિમાનોમાં સર્જાતી ગંભીર ટેકનિકલ ખામીઓના આંકડામાં સતત અને ચોંકાવનારો વધારો નોંધાયો છે. લોકસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના અધિકૃત આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન વિમાનોમાં ૮૮૯ ગંભીર ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. આ આંકડો અગાઉના વર્ષોની સરખામણીએ અત્યંત ચિંતાજનક છે, કારણ કે વર્ષ ૨૦૨૪માં આવી ખામીઓની સંખ્યા ૬૯૨ હતી, જ્યારે ૨૦૨૩માં ૪૮૭, ૨૦૨૨માં ૫૨૮ અને ૨૦૨૧માં ૫૧૪ ટેકનિકલ ખામીઓ નોંધાઈ હતી.

કેન્દ્રીય મંત્રીએ સંસદમાં ખાતરી આપી હતી કે ડીજીસીએ પાસે એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો દ્વારા સુરક્ષા નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે એક અત્યંત સુગ્રથિત સલામતી દેખરેખ પદ્ધતિ ઉપલબ્ધ છે. આ સિસ્ટમ હેઠળ નિયમિત ઓડિટ, રેમ્પ નિરીક્ષણ અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવે છે. વિમાન સુવિધાઓ અને કામગીરીમાં પૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ડીજીસીએ દ્વારા દર વર્ષે પોતાની અધિકૃત વેબસાઇટ પર 'વાર્ષિક દેખરેખ યોજના'   પણ સાર્વજનિક રૂપે પ્રકાશિત કરવામાં આવે છે, જેથી મુસાફરોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થાય.

સરકારે રજૂ કરેલા ડેટા પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારી એરલાઇન્સ અને મેન્ટેનન્સ, રિપેર તથા ઓવરહોલ (MRO) એજન્સીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા ધોરણોના ભંગ બદલ ૨૦૨૫માં ડીજીસીએ દ્વારા ૪૨ કેસોમાં આકરા દંડ અને કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે ૨૦૨૪માં આવા ૩૧ કેસો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સતત વધતી ખામીઓને પગલે એરલાઇન્સ કંપનીઓની જાળવણી પદ્ધતિઓ સામે હવે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે.

(10:12 PM IST)