<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં 14 ઓગસ્ટના રોજ થાય છે ધ્વજારોહણ : જાણો તેની પાછળનું મુખ્ય કારણ

આ પરંપરાના કારણે ઝંડા ચોકને વિશેષ ઐતિહાસિક મહત્વ મળ્યું : ભારતે આઝાદી મેળવી હતી તે ઐતિહાસિક ક્ષણે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ પરંપરાનો ઇતિહાસ લગભગ આઠ દાયકા જૂનો અને ખૂબ રસપ્રદ છે.

નવી દિલ્હી : 15 ઓગસ્ટે ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી, ત્યારબાદ દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો? દેશમાં એક એવી જગ્યા છે, જ્યાં 14 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ થાય છે.જાણો તેની પાછળનું કારણ.

ભારત દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. જે પછીથી શહીદોને યાદ કરવા માટે દેશભરની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓમાં 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરંપરા રહી છે. દેશના વડાપ્રધાન દ્વારા દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરવું પણ દર વર્ષની મહત્વપૂર્ણ પરંપરા છે. જોકે, શું તમે જાણો છો? તે દેશમાં એક એવી જગ્યા છે, જ્યાં 14 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ થાય છે. 

બિહારના એક શહેરમાં દેશના બાકીના ભાગોથી અલગ એક અનોખી પરંપરા આજે પણ ચાલુ છે. આ સ્થળે આઝાદી મળ્યાના સમયથી જ મધરાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. 2026માં પણ આ પરંપરા ચાલુ રહેશે. જ્યારે દેશભરમાં 15 ઓગસ્ટની સવારે તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યારે બિહારના આ શહેરમાં લોકો 14 ઓગસ્ટની મધરાતે, ભારતે આઝાદી મેળવી હતી તે ઐતિહાસિક ક્ષણે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ પરંપરાનો ઇતિહાસ લગભગ આઠ દાયકા જૂનો અને ખૂબ રસપ્રદ છે.

રસપ્રદ છે આ પરંપરાનો ઇતિહાસ - 14 ઓગસ્ટ 1947ની રાત્રે સમગ્ર દેશ આઝાદીની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તે સમયે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાતનું પ્રસારણ કરાયું હતું. મધરાતે એટલે કે 15 ઓગસ્ટની શરૂઆતની ક્ષણે દેશભરમાં ભારતની સ્વતંત્રતાની ઐતિહાસિક જાહેરાત સંભળાઈ હતી. જાહેરાત સાંભળ્યા બાદ બિહારના પૂર્ણિયા શહેરના સ્વાતંત્ર્ય સેનાની રામેશ્વર પ્રસાદ સિંહે સવાર થવાની રાહ ન જોઈ. તેઓ પોતાના બે સાથી રામ રતન સાહ અને શમશુલ હક સાથે તરત જ શહેરના કેન્દ્ર તરફ નીકળી પડ્યા હતા

આ ત્રણેય પૂર્ણિયા શહેરના મુખ્ય ચોક પર પહોંચ્યા અને ત્યાં તાજેતરમાં અપનાવવામાં આવેલા ભારતીય રાષ્ટ્રીય ધ્વજને ફરકાવ્યો હતો. આ વિસ્તારને આજે પણ ‘ઝંડા ચોક’ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે જ ત્યાં એકઠા થયેલા લોકોએ ખુશીના નારા લગાવીને આઝાદીનું સ્વાગત કર્યું હતું, એવું સ્થાનિક લોકો જણાવે છે.

સ્થાનિક લોકો માને છે કે, તે સમયે રેડિયો પર સંભળાયેલી સ્વતંત્રતાની જાહેરાત લોકો માટે જાણે સ્વર્ગ મળ્યા જેવો અનુભવ કરાવતી ઐતિહાસિક ક્ષણ હતી. પૂર્ણિયાના લોકો આજે પણ સ્વતંત્રતાની આ ક્ષણને માત્ર એક જાહેરાત તરીકે નહીં, પરંતુ એક ઐતિહાસિક પ્રસંગ તરીકે ઉજવે છે.

આ ઐતિહાસિક ઘટનાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં પૂર્ણિયાના લોકો પોતાની પરંપરા જાળવી રહ્યા છે. દર વર્ષે ભારતને આઝાદી મળી તે જ ક્ષણે એટલે કે 14 ઓગસ્ટની મધરાતે સ્થાનિક લોકો ધ્વજસ્તંભ પાસે એકઠા થાય છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. ત્યારબાદ તેઓ દેશભરમાં 15 ઓગસ્ટની સવારે યોજાતી ઉજવણીમાં પણ ભાગ લે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી 15 ઓગસ્ટની સવારે શરૂ થાય છે, પરંતુ પૂર્ણિયામાં મધરાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરંપરા તેને અનોખી બનાવે છે. આ પરંપરા ભારતની સ્વતંત્રતાની જાહેરાત થયેલી ચોક્કસ ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે.

આ પરંપરાના કારણે પૂર્ણિયાના ઝંડા ચોકને વિશેષ ઐતિહાસિક મહત્વ મળ્યું છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસની પૂર્વ રાત્રે અહીં યોજાતો ધ્વજવંદન કાર્યક્રમ માત્ર સ્થાનિક લોકોને જ નહીં, પરંતુ ઇતિહાસમાં રસ ધરાવતા અનેક લોકોને પણ આકર્ષે છે. આ અનોખી પરંપરા આજે પણ ચાલુ છે અને ભારતના સ્વતંત્રતા સંગ્રામની ભાવના તથા તે ઐતિહાસિક ક્ષણને પેઢી દર પેઢી યાદ કરાવવાનું કામ કરે છે.

 

(11:58 PM IST)