News of Monday, 10th August 2026
આ ઘટના પછી બન્ને પાઇલટની પોસ્ટ-ફલાઇટ ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવી હતી
ટર્બ્યુલન્સની અસરથી ૩૦૦ ફુટ નીચે આવી ગયેલી એર ઇન્ડિયાની ફુકેતથી દિલ્હીની ફલાઇટનો પાઇલટ ડોપ-ટેસ્ટમાં નિષ્ફળ

નવી દિલ્હી તા.૧૦: થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફલાઇટના બે પાઇલટમાંથી એક પાઇલટ ડ્રગ-ટેસ્ટમાં નિષ્ફળ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી બન્ને પાઇલટની પોસ્ટ-ફલાઇટ ડ્રગ સ્ક્રીનિગ ટેસ્ટ કરવામાં આવી હતી. એક પાઇલટની ટેસ્ટ પોઝિટિવ આવી છે. આ ઘટનાની તપાસ પૂરી થાય ત્યાં સુધી બન્ને પાઇલટને ફરજ પરથી હટાવવામાં આવ્યા છે. આ મુદ્દે ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમે કોઈ કમેન્ટ કરવાની સ્થિતિમાં નથી, કારણ કે ફલાઇટ પછી ડ્રગ સ્ક્રીનિગનાં તારણો અમારી સાથે શેર કરવામાં આવ્યાં નથી.
આ ઘટનાની તપાસ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા કરવામાં આવી રહી છે. તપાસનાં પરિણામોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવશે કે આ મામલાની એરક્રાફટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વધુ તપાસની જરૂર છે કે કેમ.
ચોથી ઓગસ્ટે આ ફલાઇટ તીવ્ર ટર્બ્યુલન્સમાં ફસાઈ ગઈ હતી અને અચાનક લગભગ ૩૦૦ ફુટ નીચે આવી ગઈ હતી. ફલાઇટમાં ૧૩૭ મુસાફરો અને ૮ ક્રૂ સભ્યો હતા. એર ટર્બ્યુલન્સમાં ૪ કેબિન-ક્રૂ સભ્યો સહિત ઓછામાં ઓછા ૧૭ પ્રવાસીઓ ઘાયલ થયા હતા.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
