<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સંસદમાં વિદ્યાર્થી આંદોલન અને પોલીસ કાર્યવાહી પર ચર્ચા માટે સરકાર તૈયાર: ગૃહમંત્રી અમિત શાહ આપશે વિગતવાર જવાબ, વિપક્ષને હોબાળો ન કરવા કિરેન રિજિજુની અપીલ

બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સરકારે વલણ કર્યું સ્પષ્ટ; સંસદીય બાબતોના મંત્રીએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને આંતરિક મતભેદો ઉકેલી ચર્ચામાં ભાગ લેવા જણાવ્યું

નવી દિલ્હી: તા.૧૦: દેશમાં વિદ્યાર્થી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કથિત પોલીસ બળપ્રયોગના મુદ્દે સંસદમાં સર્જાયેલી મડાગાંઠ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સરકાર નિયમો અનુસાર સંસદના બંને ગૃહોમાં વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આટલું જ નહીં, વિપક્ષની માંગણીને માન આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે સંસદમાં આ સમગ્ર મામલે નિવેદન આપશે અને વિપક્ષના તમામ સવાલોના જવાબ પણ આપશે.

સમાચાર એજન્સી ANI સાથે વાતચિત કરતા અને ત્યારબાદ મીડિયાને સંબોધતા કિરેન રિજિજુએ વિપક્ષી પક્ષોને ખાસ અપીલ કરી હતી કે જ્યારે ગૃહમંત્રી અથવા સરકાર તરફથી જવાબ આપવામાં આવી રહ્યો હોય ત્યારે હોબાળો મચાવીને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ ન પાડવો. તેમણે ઉમેર્યું કે, "સરકારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે આ ચર્ચાથી ભાગી રહ્યા નથી. વિપક્ષ જે પણ પ્રશ્નો ઉઠાવવા માંગે છે, તેનો સામનો કરવા અને સ્પષ્ટતા આપવા માટે સરકાર સક્ષમ અને તૈયાર છે. અમારી એક જ વિનંતી છે કે વિપક્ષ ગૃહમંત્રીના નિવેદનને શાંતિથી સાંભળે."

વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં રિજિજુએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચેના આંતરિક મતભેદો તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "અમે અમારા તરફથી ચર્ચાનો પ્રસ્તાવ મૂકી દીધો છે, પરંતુ હાલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે અમુક મુદ્દાઓ પર મતભેદો દેખાઈ રહ્યા છે. તેમણે પોતાના આ રાજકીય મતભેદો આપસમાં જ ઉકેલવા પડશે અને દેશના હિતમાં ચર્ચામાં જોડાવું પડશે."

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને વિપક્ષી પક્ષો સતત સંસદમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં હાજર રહીને નિવેદન આપે તેવી માંગ સાથે લોકસભા અને રાજ્યસભામાં સૂત્રોચ્ચાર અને હંગામો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે. હવે સરકાર તરફથી અમિત શાહના જવાબ આપવાની જાહેરાત બાદ સંસદનું સત્ર સુચારુ રૂપે ચાલશે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.

(3:41 PM IST)