<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

બંગાળની ખાડીમાં સર્જાઈ રહી છે નવી સિસ્ટમ: દેશના ૧૫થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, ૧૫ ઓગસ્ટે પણ ધોધમાર વરસાદની આગાહી

હિમાચલ-ઉત્તરાખંડમાં અચાનક પૂરની ભીતિ વચ્ચે દિલ્હી-NCR અને રાજસ્થાન સહિત પૂર્વ ભારતમાં આગામી અઠવાડિયે મુશળધાર વરસાદનું જોખમ

નવી દિલ્હી: તા.૧૦: હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના મોટાભાગના વિસ્તારો માટે આગામી દિવસોમાં ચોમાસું વધુ આક્રમક બનવાની મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર મધ્ય પ્રદેશ પર સક્રિય નીચા દબાણના ક્ષેત્ર (લો-પ્રેશર સિસ્ટમ) બાદ હવે ૧૨ ઓગસ્ટની આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવી વેધર સિસ્ટમ આકાર લઈ રહી છે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતથી લઈને પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગામી ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

 

હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર બનેલું ચક્રવાતી પરિભ્રમણ આગામી ૨૪ થી ૪૮ કલાકમાં વધુ તીવ્ર બનીને લો-પ્રેશરમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ સક્રિય થતાં જ ૧૨ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સિવાય, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં આકાશી આફત થવાની ભીતિ છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના શિમલા અને સિરમૌર જિલ્લાના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાનું જોખમ હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

 

મેદાની વિસ્તારોની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં ૧૧ અને ૧૩ ઓગસ્ટના રોજ વિરામ બાદ ફરી કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ૧૦ અને ૧૧ ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદનું રેડ/ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે છત્તીસગઢ, વિદર્ભ અને ઉત્તર પ્રદેશમાં પણ સપ્તાહના અંત સુધી ચોમાસું મહેરબાન રહેશે.

 

૧૫ ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હશે ત્યારે ઉત્તર-પૂર્વીય રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં અતિભારે વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે. વાતાવરણમાં એકસાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ચોમાસુ ટ્રફ અને બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતાં દેશના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતા છે.

(3:48 PM IST)