<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

રશિયાથી ભારત સીધી ટ્રેન દોડાવવાનો મોસ્કોનો ધમાકેદાર પ્લાન: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને નવું રેલવે નેટવર્ક ઊભું કરવાની તૈયારી, દરિયાઈ માર્ગોનું જોખમ ટળશે

પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે રશિયાની હિંદ મહાસાગર સુધી પહોંચવાની આકાંક્ષા; તુર્કમેનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન થઈ ભારત સાથે સીધો જમીની વેપાર શરૂ કરવાનો વ્યુહાત્મક દાવ

મોસ્કો: તા.૧૦: પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો અને યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયાએ પોતાના વૈશ્વિક વેપારને સુરક્ષિત કરવા માટે એક અત્યંત મહત્વકાંક્ષી અને ચોંકાવનારો રોડમેપ તૈયાર કર્યો છે. મોસ્કો હવે હિંદ મહાસાગર સુધી એક વિશાળ અને સીધું રેલવે નેટવર્ક સ્થાપિત કરવા માટે ઉત્સુક છે. રશિયા આ પ્રસ્તાવિત માર્ગને ભારત સુધી લંબાવવા પર પણ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે, જેથી બંને દેશો વચ્ચે દરિયાઈ માર્ગોને બદલે સીધો અને ભૌગોલિક રીતે સુરક્ષિત જમીની વેપાર શરૂ કરી શકાય.

 

રશિયાના નાયબ વડાપ્રધાન મારાત ખુશનુલિને રશિયન ન્યૂઝ એજન્સી 'તાસ' ને આપેલા એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં આ પ્રોજેક્ટનો ખુલાસો કર્યો હતો. આ યોજના હેઠળ એક નવો આંતરરાષ્ટ્રીય રેલવે કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ છે, જે રશિયાથી શરૂ થઈને તુર્કમેનિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને હિંદ મહાસાગર સુધી પહોંચશે. રશિયાના નાયબ વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે જો આ નેટવર્કને ભારત સુધી લંબાવવામાં સફળતા મળશે, તો મોસ્કો માટે આ એક અત્યંત અનુકૂળ અને લાભદાયી વિકલ્પ સાબિત થશે, જેનાથી એશિયાના વિશાળ બજારો સુધી રશિયાની પહોંચ મજબૂત બનશે.

 

આ નવો જમીની માર્ગ શોધવા પાછળ રશિયાનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ સંવેદનશીલ સમુદ્રી માર્ગો પરની પોતાની નિર્ભરતા ઘટાડવાનો છે. હાલમાં રશિયા કાળા સમુદ્રને જોડતી બોસ્ફોરસ ખાડી અને અખાત વિસ્તારની હોર્મુઝ ખાડી જેવા જોખમી જળમાર્ગો પર નિર્ભર છે. વિશ્વનો ૨૦ ટકા જેટલો ઉર્જા પુરવઠો હોર્મુઝ ખાડીમાંથી પસાર થાય છે અને ત્યાં અવારનવાર ભૌગોલિક રાજકીય તણાવ સર્જાય છે. આવી સ્થિતિમાં આ નવો રેલવે રૂટ કોઈપણ દરિયાઈ અવરોધ વગર ભારત અને રશિયા વચ્ચેના વેપારને એક નવો અને સુરક્ષિત વિકલ્પ પૂરો પાડશે.

 

આ ઉપરાંત, આ પ્રોજેક્ટથી રશિયાના સ્થાનિક બાંધકામ ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે. ખુશનુલિનના જણાવ્યા અનુસાર, રશિયાની કન્સ્ટ્રક્શન કંપનીઓ વાર્ષિક ૧.૨૫ અબજ ડોલર સુધીનું વધારાનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. જો આગામી ૫ વર્ષ સુધી આ રેલવે લાઈનનું કામ ચાલુ રહેશે તો રશિયામાં હજારો નવી રોજગારીઓ ઊભી થશે. જોકે, આ ભગીરથ પ્રોજેક્ટ હજુ પ્રારંભિક વિચારણા હેઠળ છે. આટલા બધા દેશોમાંથી પસાર થતા માર્ગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન અને કાનૂની સંમતિ જરૂરી રહેશે, જ્યારે ભારત સરકાર તરફથી પણ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

 

(4:22 PM IST)