<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

પ્રયાગરાજમાં ૨૦ વર્ષ જૂના પાર્કની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં આઝમ ખાનનું નામ ખુલ્યું: સીએમ યોગીના કડક આદેશ બાદ SIT ની રચના, કરોડોની જમીન પર બુલડોઝર ફરવાની તૈયારી

જાહેર રજાઓનો દુરુપયોગ કરીને માફિયા અતીક અહેમદના સાગરીતોએ રાતોરાત કર્યો હતો ગેરકાયદે કબજો; મેયરની રજૂઆત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં

પ્રયાગરાજ: તા.૧૦: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના ૨૦ વર્ષ જૂના કૌભાંડમાં મોટો ધડાકો થયો છે. દરિયાબાદ વિસ્તારમાં આવેલા એક જાહેર પાર્ક અને તેની સાથે જોડાયેલા ૨૦ ફૂટ પહોળા સરકારી રસ્તા પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવાના કેસમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાનનું નામ સામે આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આકરા વલણ બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. પ્રયાગરાજના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ એડીએમ સિટી સત્યમ કુમાર મિશ્ર, પીડીએ (PDA) સચિવ વિનીત કુમાર સિંહ અને ડીસીપી સિટી મનીષ શાંડિલ્યાની આગેવાની હેઠળ એક વિશેષ તપાસ સમિતિ (SIT) ની રચના કરી છે.

 

આ સમગ્ર વિવાદિત કેસ વર્ષ ૨૦૦૬ નો છે, જ્યારે રાજ્યમાં સમાજવાદી પાર્ટીનું શાસન હતું અને આઝમ ખાન નગર વિકાસ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળતા હતા. ઓગસ્ટ ૨૦૦૬ માં ૧૪, ૧૫ અને ૧૮ ઓગસ્ટના રોજ સતત ૩ દિવસની જાહેર રજાઓનો ગેરલાભ ઉઠાવીને કુખ્યાત માફિયા અતીક અહેમદના નજીકના સાથીઓએ પાર્કની સરકારી જમીન હડપ કરવા માટે રાતોરાત ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું. સ્થાનિક રહીશોએ આ ગેરકાયદેસર દબાણનો ભારે વિરોધ કરીને ફરિયાદો કરી હતી, પરંતુ તત્કાલીન મંત્રી આઝમ ખાને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરતા રોક્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે.

 

હાલમાં વિવિધ ગુનાહિત કેસોમાં જેલમાં સજા કાપી રહેલા આઝમ ખાનના નજીકના લોકો જ આ અંદાજે રૂ. ૪ કરોડની બજાર કિંમત ધરાવતી કિંમતી જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. સ્થાનિકો અનુસાર, આઝમ ખાન જ્યારે પણ પ્રયાગરાજની મુલાકાતે આવતા ત્યારે આ કબ્જો કરનારા લોકોના ઘરે અચૂક રોકાતા હતા.

 

તાજેતરમાં પ્રયાગરાજના મેયર ગણેશ કેશરવાણીની આગેવાનીમાં સ્થાનિક નાગરિકોનું પ્રતિનિધિ મંડળ લખનૌ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રૂબરૂ મળ્યું હતું અને આ જમીન ભૂમાફિયાઓથી મુક્ત કરાવવા રજૂઆત કરી હતી. સીએમ યોગીના આદેશ બાદ સદર તહસીલ અને નગર નિગમ પાસેથી મહેસૂલી દસ્તાવેજો મંગાવી તપાસ શરૂ કરાઈ છે. એસઆઈટીનો રિપોર્ટ આવ્યા બાદ ટૂંક સમયમાં જ આ કરોડોની જમીન પરથી ગેરકાયદે બાંધકામ હટાવવા માટે બુલડોઝર ફેરવવાની મોટી કાર્યવાહી કરવામાં આવશે.

 

(4:23 PM IST)