તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 10th August 2026
એરપોર્ટ ઓપરેટરો માટે એરલાઈન બિઝનેસમાં પ્રવેશવાનો માર્ગ મોકળો? નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ કરી નીતિ, અદાણી ગ્રુપ માટે નિર્ણય અતિ મહત્વપૂર્ણ
પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળના કેટલાક જૂના કરારો સિવાય સામાન્ય રીતે ક્રોસ-ઓનરશિપ પર કોઈ રોક નથી; અદાણી ગ્રુપે AAI પાસે માંગી છે ખાસ મુક્તિ

નવી દિલ્હી: તા.૧૦: દેશના એરપોર્ટ ઓપરેટરો હવે પોતે જ એરલાઈન કંપની શરૂ કરી શકશે કે નહીં તે અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે મુખ્ય એરપોર્ટ ઓપરેટરોને શેડ્યૂલ એરલાઇન્સમાં નોંધપાત્ર ઈક્વિટી ધરાવવા કે એરલાઈન ચલાવવાથી પ્રતિબંધિત કરતી કોઈ સામાન્ય સરકારી નીતિ નથી. જોકે, મંત્રાલયે ઉમેર્યું હતું કે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ થયેલા કેટલાક ચોક્કસ એરપોર્ટ કન્સેશન કરારોમાં આવી ક્રોસ-માલિકી પર નિયંત્રણો મુકવામાં આવેલા છે.
આ મહત્વપૂર્ણ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે દેશમાં અદાણી એરપોર્ટ્સ (Adani Airports) જેવા વિશાળ પોર્ટફોલિયો ધરાવતા ઓપરેટરો એરલાઈન ક્ષેત્રમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ ચર્ચાઈ રહી છે. મંત્રાલયે પૃષ્ઠભૂમિ આપતાં સત્તાવાર પુષ્ટિ કરી હતી કે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને સંબંધિત કરારની જોગવાઈઓમાંથી મુક્તિ માંગતી અરજી મળી છે, પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ આખરી નિર્ણય કે તપાસ કરવામાં આવી નથી.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા જાહેરમાં શેર કરાયેલા એક કથિત પત્ર અનુસાર, અદાણી એરપોર્ટ્સે ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (OMDA) ની કલમ ૨.૫(vi) માં મુક્તિ અને સુધારાની માંગ કરી છે. આ સુધારાથી અદાણી ગ્રુપ અને તેની સાથી સંસ્થાઓને શેડ્યૂલ એરલાઈનમાં રોકાણ કરવા, માલિકી રાખવા કે નવી એરલાઈન સ્થાપિત કરવા માટે કાનૂની મંજૂરી મળી શકે તેમ છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ બ્રાઝિલની વિમાન ઉત્પાદક કંપની એમ્બ્રેર (Embraer) સાથે મળીને ભારતના ટાયર-II અને ટાયર-III શહેરોને જોડતી પ્રાદેશિક કનેક્ટિવિટી ક્ષમતા વધારવા માટે એરલાઈન બિઝનેસમાં પ્રવેશવાનું મૂલ્યાંકન કરી રહી છે.
જોકે, અદાણી એન્ટરપ્રાઈઝે સ્ટોક એક્સચેન્જને આપેલી સ્પષ્ટતામાં જૂથ દ્વારા એરલાઈન શરૂ કરવાની આવી કોઈપણ યોજનાનો ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ આવી કોઈ દરખાસ્ત પર વિચાર કરી રહ્યા નથી. આ વિરોધાભાસી નિવેદનો અને સંસદમાં મંત્રાલયના જવાબે હવાઈ વાહનવ્યવહાર ક્ષેત્રે ભવિષ્યમાં થનારા મોટા ફેરફારો તરફ સંકેત આપી દીધો છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
