હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'કોઈ બહાનું નહીં, રાત્રે ૧૧ વાગ્યે પણ કસરત જરૂરી': રાહુલ ગાંધીએ તેમના ૧ કલાકના ફિટનેસ સિક્રેટનો કર્યો સનસનાટીભર્યો ખુલાસો; માર્શલ આર્ટ્સ, સ્વિમિંગ અને યોગનું બતાવ્યું પાવરફુલ મિશ્રણ
વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ ફિટનેસ માટે સમય કાઢવો એ જીવનનો હિસ્સો; બિનઆરોગ્યપ્રદ ખાવા-પીવાની આદતો ધરાવતા લોકોને આપી કડક સલાહ

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર આયોજિત એક પ્રશ્ન-જવાબ (Q&A) સત્ર દરમિયાન પોતાના ફિટનેસ રૂટિનનો રસપ્રદ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પ્રત્યેનો તેમનો અભિગમ માત્ર ચોક્કસ વર્કઆઉટ કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ રોજિંદા જીવનમાં શિસ્ત, સાતત્ય અને સંતુલન જાળવવા પર આધારિત છે. ફિટનેસ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે કસરત કઈ કરો છો તેના કરતાં તેને નિયમિતપણે અને સતત જાળવી રાખવી સૌથી વધુ મહત્વની છે.
પોતાના વર્કઆઉટ મિશ્રણ અંગે વાત કરતા રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો હતો કે, "હું સામાન્ય રીતે માર્શલ આર્ટ્સ કરું છું જે મને ખૂબ પસંદ છે. આ સિવાય સ્વિમિંગ (તરણ), દોડવું અને હવે મેં યોગ કરવાનું પણ શરૂ કર્યું છે, જે ખૂબ જ રસપ્રદ અનુભવ છે." તેમના આ ફિટનેસ રૂટિનમાં હૃદયની સહનશક્તિ માટે દોડવું અને સ્વિમિંગ, શરીરની ચપળતા અને તાકાત માટે માર્શલ આર્ટ્સ તથા લવચીકતા અને માનસિક શાંતિ માટે યોગનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કસરત એ નવરાશના સમયમાં કરવાની પ્રવૃત્તિ નથી, પરંતુ તે તેમની દૈનિક કાર્યશૈલીનો અવિભાજ્ય અંગ છે. "શરીરની શક્તિ, એરોબિક ક્ષમતા અને ફ્લેક્સિબિલિટી વધારવા માટે દરરોજ એક કલાક આપવો એ મારા રોજિંદા કામનો જ એક ભાગ છે. ભલે ગમે તેટલો વ્યસ્ત દિવસ હોય, હું તેના માટે સમય કાઢું જ છું. જો મારે રાત્રે ૧૧ વાગ્યે પણ કસરત કરવી પડે, તો હું અચૂક કરું છું," તેમ તેમણે ઉમેર્યું હતું.
જોકે, માત્ર કસરતથી જ ફિટ રહી શકાતું નથી તેમ જણાવતા તેમણે ખરાબ જીવનશૈલી ધરાવતા લોકોને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, "જો તમારો ખોરાક યોગ્ય ન હોય, તમે વધુ પડતો દારૂ પીતા હોવ કે સતત અનહેલ્ધી નાસ્તો જ કર્યા કરતા હોવ, તો કસરતનો કોઈ અર્થ સરતો નથી. યોગ્ય પોષણ અને સારી આદતો વગર કોઈ પણ ફિટનેસ રૂટિન કામ કરી શકતું નથી."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
