<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

૧૧મી થી ૧૩મી JPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામો રદ કરવાની માંગ પર ઝારખંડ હાઈકોર્ટ લાલઘૂમ: સફળ અને નિયુક્ત ૩૪૨ ઉમેદવારો પાસે હાઈકોર્ટે ત્રણ સપ્તાહમાં માંગ્યો જવાબ

સિંગલ બેન્ચે અરજી ફગાવ્યા બાદ અપીલકર્તાઓએ ડિવિઝન બેન્ચમાં મૂલ્યાંકનમાં ગેરરીતિ અને નિયમોના ઉલ્લંઘનના લગાવ્યા ગંભીર આરોપો; હવે આગામી સુનાવણી પર સૌની નજર

રાંચી : ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા આયોજિત ૧૧મી થી ૧૩મી સંયુક્ત સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષાના પરિણામો અને નિમણૂકોને રદ કરવાની માંગ કરતી અપીલ પર ઝારખંડ હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ એમ. એસ. સોનાક અને ન્યાયાધીશ રાજેશ શંકરની બનેલી ડિવિઝન બેન્ચે સોમવારે કેસની સુનાવણી કરતી વખતે, ભલામણ કરાયેલા અને નિમણૂક પત્રો મેળવી ચૂકેલા તમામ ઉમેદવારોને પોતાના જવાબો રજૂ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

 

હાઈકોર્ટે અગાઉ અપીલકર્તાઓને નિર્દેશ આપ્યો હતો કે જે ૩૪૨ સફળ ઉમેદવારોને નિમણૂક પત્રો મળી ચૂક્યા છે, તેમને આ કેસમાં પ્રતિવાદી બનાવવામાં આવે. ડિવિઝન બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ અપીલ પર લેવાનારા અંતિમ નિર્ણયની સીધી અસર આ સફળ ઉમેદવારોના ભવિષ્ય પર પડી શકે છે, તેથી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેમને પણ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળવી અનિવાર્ય છે. કોર્ટે તમામ પ્રતિવાદીઓને ત્રણ સપ્તાહમાં જવાબ દાખલ કરવા જણાવી આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી મુકરર કરી છે.

 

આ કેસની પૃષ્ઠભૂમિ અંગે વાત કરીએ તો, અયુબ તિર્કી અને રાજેશ કુમાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે JPSC મુખ્ય પરીક્ષાના મૂલ્યાંકન દરમીયાન મોટાપાયે અનિયમિતતાઓ અને નિયમોનું ઘોર ઉલ્લંઘન આચરવામાં આવ્યું હતું. જોકે, ઓક્ટોબર ૨૦૨૫ માં ન્યાયાધીશ દીપક રોશનની સિંગલ બેન્ચે આ રિટ અરજીને પાયાવિહોણી ગણાવી ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ગંભીર ખામી જોવા મળી નથી.

 

સિંગલ બેન્ચના આ નિર્ણય સામે અરજદારોએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. હાલમાં ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ અને ઉમેદવારોમાં ભારે અસંતોષ અને વિરોધ પ્રદર્શનનો માહોલ છે, ત્યારે હાઈકોર્ટની આ નવી સુનાવણી અને આગામી ત્રણ સપ્તાહ બાદ આવનારો જવાબ રાજ્યના વહીવટી સેવાઓમાં પ્રવેશ મેળવનારા સેંકડો ઉમેદવારો માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

(7:30 PM IST)