<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સાચા પ્રેમની અમર દાસ્તાન: પત્નીના અવસાનના વિયોગમાં થોડા જ કલાકોમાં પતિએ પણ પ્રાણ ત્યાગ્યા; દાવણગેરેના હડાદી ગામમાં ભારે શોક

આજીવન સાથે જીવ્યા બાદ મરણ પણ સાથે જ મળ્યું: એક જ દિવસે એક જ ઘરમાંથી બે અંતિમયાત્રા નીકળતા આખું ગામ આક્રંદ કરી ઊઠ્યું

દાવણગેરે : જન્મ અને મરણના ફેરા વચ્ચે પ્રેમની અનેક કથાઓ સમાયેલી હોય છે, પરંતુ દાવણગેરે તાલુકાના હડાદી ગામમાં દંપતીના સાચા સમર્પણ અને પ્રેમની એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈની આંખો ભીની કરી દીધી છે. દાયકાઓ સુધી એકબીજાનો સુખ-દુઃખમાં સાથ નિભાવનાર વૃદ્ધ દંપતીનું માત્ર થોડા જ કલાકોના અંતરે અવસાન થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

 

મળતી માહિતી મુજબ, ગામના નિવાસી સિદ્ધાજી નામના વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી વય-સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તમામ સારવાર છતાં તબિયત લથડતાં રવિવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આઘાતમાં ડૂબેલા પરિવારજનો અને સંબંધીઓ સોમવારે સવારે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓમાં વ્યસ્ત હતા. પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું.

 

પત્નીના વિયોગનો આઘાત તેમના ૭૫ વર્ષીય પતિ મલ્લાજા સહન ન કરી શક્યા. જીવનભર જેનો સાથ નિભાવ્યો તે અર્ધાંગિનીના જવાથી ભાંગી પડેલા મલ્લાજાની તબિયત અચાનક બગડી હતી અને સવારે ૧૦:૩૦ વાગ્યે તેમણે પણ દેહ છોડી દીધો હતો.

 

એક જ ઘરમાંથી થોડા કલાકોના અંતરે પતિ-પત્નીની એકસાથે બે અંતિમયાત્રા નીકળતી જોઈને ગ્રામજનો અને સંબંધીઓ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. 'સાથે જીવ્યા અને સાથે જ વિદાય લીધી' તેવી આ અમર પ્રેમના પ્રતીક સમી ઘટના બાદ આખું ગામ સ્તબ્ધ થઈ ગયું છે અને દંપતીને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી રહ્યું છે.

(8:01 PM IST)