News of Monday, 10th August 2026
૮૦મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી રચાશે નવો ઈતિહાસ: દેશના ઈતિહાસમાં પહેલી વાર ગૂંજશે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'
'વંદે માતરમ' ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંરક્ષણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય; ૨૦,૦૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ, AI કેમેરા અને ડ્રોન સિસ્ટમ સાથે કડક બંદોબસ્ત

નવી દિલ્હી : દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વર્ષે અત્યંત ખાસ અને યાદગાર બનવા જઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલીવાર રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગાઈને એક નવો સ્વર્ણિમ ઈતિહાસ રચવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન કર્યા બાદ અને રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની સાથે આ વખતે 'વંદે માતરમ' ના મધુર સૂર પણ લાલ કિલ્લાના આંગણે ગૂંજી ઉઠશે.
આ વર્ષે કાલજયી રચના 'વંદે માતરમ' ની ૧૫૦મી વર્ષગાંઠ હોવાથી આ ખાસ પહેલ કરવામાં આવી રહી છે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા ૧૮૮૨ માં તેમની નવલકથા 'આનંદમઠ' માં રચાયેલું આ ગીત ભારતની આઝાદીની લડાઈનું સૌથી મોટું પ્રેરણાસ્રોત રહ્યું છે. સ્વતંત્રતા સેનાનીઓએ માતૃભૂમિની સેવા અને બલિદાન માટે આ ગીતને સૂત્ર તરીકે અપનાવ્યું હતું, તેથી ૮૦મા સ્વતંત્રતા દિવસે તેનો સમાવેશ કરવો એ અભૂતપૂર્વ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
આ વર્ષના સ્વતંત્રતા દિવસનો મુખ્ય વિષય (Theme) "યુવા શક્તિ - વિકસિત ભારતની યાત્રા તરફ દોરી જવો" રાખવામાં આવ્યો છે. ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેનાનું ખાસ હેલિકોપ્ટર 'વંદે માતરમ' ના ૧૫૦ વર્ષની સ્મૃતિમાં એક વિશાળ ધ્વજ લઈને લાલ કિલ્લાની ઉપરથી ઉડાન ભરશે. વધુમાં, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિશિષ્ટ યોગદાન આપનારા દેશના પ્રતિભાશાળી યુવાનોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાસ સન્માન કરવામાં આવશે.
લાલ કિલ્લાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૨૦,૦૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત ૧,૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા, ફેસ રેકગ્નિશન (ચહેરો ઓળખવાની) ટેકનોલોજી અને એન્ટી-ડ્રોન ડિટેક્શન સિસ્ટમ દ્વારા દરેક ગતિવિધિ પર રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવશે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
