News of Monday, 10th August 2026
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં વાંદરાઓને ભગાડવા માટે તૈનાત કરાયા 'મંકી વ્હીસ્પરર્સ': લંગુર અવાજની આબેહૂબ નકલ કરીને સ્ટેડિયમથી દૂર રખાશે વાંદરા
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી વર્લ્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટ માટે ખાસ તકેદારી; ઇન્ડિયા ઓપન દરમિયાન વાંદરા અને કબૂતર ઘૂસી જવાની ઘટનાઓ બાદ આયોજકોનો નવતર પ્રયોગ

નવી દિલ્હી : નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૧૭ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં રમતની સાથે સાથે એક અનોખો પ્રયોગ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ બેડમિંતન ખેલાડીઓની મેચ દરમિયાન વાંદરાઓનો ત્રાસ ન થાય તે માટે આયોજકોએ 'મંકી વ્હીસ્પરર્સ' તરીકે ઓળખાતા ત્રણ ખાસ તાલીમબદ્ધ વ્યક્તિઓને રોક્યા છે. આ ત્રણેય માણસો લંગુરના અવાજ અને બૂમોની એવી આબેહૂબ નકલ કરે છે કે રીસસ મેકાક જાતિના વાંદરાઓ ડરીને સ્ટેડિયમ નજીક પણ ભટકતા નથી.
આ વિચિત્ર પરંતુ વ્યવહારુ પગલું લેવા પાછળનું કારણ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી 'ઇન્ડિયા ઓપન' સ્પર્ધા છે. લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર એક વાંદરો ઘૂસી ગયો હતો અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત સ્ટેડિયમમાં કબૂતરોના મળ-મૂત્રને કારણે પણ રમત અટકાવવી પડી હતી. સ્વચ્છતા અને પ્રાણી નિયંત્રણ અંગે ઊભેલા સવાલો બાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) અને ભારતીય બેડમિન્ટન સંઘે આ વખતે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે.
૧૭ વર્ષ બાદ ભારત ફરી એકવાર આ પ્રતિષ્ઠિત વર્લ્ડ ચેમ્પિયનશિપની ૩૦મી આવૃત્તિનું યજમાન બની રહ્યું છે. ઇન્ડિયા ઓપન દરમિયાન થયેલી ભૂલોમાંથી પાઠ ભણીને આયોજકોએ સ્ટેડિયમની અંદર એર કન્ડીશનીંગ, લાઈટિંગ, સુરક્ષા અને પક્ષી-પ્રાણી નિવારણ સુવિધાઓમાં ધરખમ સુધારા કર્યા છે.
જ્યારે વિશ્વના શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડીઓ મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવશે, ત્યારે આ ત્રણ 'મંકી વ્હીસ્પરર્સ' સ્ટેડિયમની બહાર વાંદરાઓને દૂર રાખવાનું મહત્વનું કામ સંભાળશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આયોજકોને આશા છે કે આ વખતે દિલ્હીની હેડલાઇન્સ મેદાનની બહારના કોઈ વિવાદને બદલે માત્ર બેડમિન્ટન કોર્ટની શાનદાર રમત પર જ કેન્દ્રિત રહેશે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
