<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

"ભારતમાં આવવું એ મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય": અઢી વર્ષ પહેલાં કોર્પોરેટ નોકરી છોડી ભારતમાં વસેલા ઓસ્ટ્રેલિયન સર્જકનો વીડિયો વાયરલ

૮ વર્ષ એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યા બાદ 'થિયોસીભાઈ' ઉર્ફે એન્ડી ઇવાન્સે ભારતમાં કન્ટેન્ટ ક્રિએટર તરીકે નવી ઓળખ મેળવી; દેશની સંસ્કૃતિ અને લોકો પ્રત્યે વ્યક્ત કરી અસીમ કૃતજ્ઞતા

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના જાણીતા કન્ટેન્ટ સર્જક એન્ડી ઇવાન્સ, જેઓ સોશિયલ મીડિયા પર 'થિયોસીભાઈ' (Theo C Bhai) તરીકે લોકપ્રિય છે, તેમણે ભારત અને અહીંના લોકો પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતો એક અત્યંત ભાવુક વીડિયો શેર કર્યો છે. અઢી વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા છોડીને ભારતમાં સ્થાયી થયેલા એન્ડીએ આ નિર્ણયને પોતાના જીવનનો "સૌથી શ્રેષ્ઠ અને સુંદર નિર્ણય" ગણાવ્યો છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય યુઝર્સ તરફથી તેને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

 એન્ડી ઇવાન્સે પોતાની સફર વાગોળતા જણાવ્યું કે ભારત આવ્યા પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કન્ટેન્ટ ક્રિએશનમાં પૂર્ણ-સમય આપતા પહેલા તેઓ ઓસ્ટ્રેલિયામાં સતત ૮ વર્ષ સુધી એકાઉન્ટન્ટ તરીકે ડેસ્ક જોબ કરતા હતા. તેમણે કહ્યું, "હું અઢી વર્ષ પહેલાં ભારત આવ્યો હતો અને આજે હું એવી ઊંચાઈઓ અને અનુભવો પ્રાપ્ત કરી રહ્યો છું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું આ દેશમાં મારા સપનાનું જીવન જીવી રહ્યો છું."

 પોતાના વાયરલ વિડીયોમાં તેમણે ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસ, અહીંના લોકો સાથેના સંવાદ અને ભાતીગળ સંસ્કૃતિના વખાણ કર્યા છે. તેમણે ઉમેર્યું કે, "આ સુંદર, અનોખા અને અદ્ભુત દેશ માટે મારા હૃદયમાં અપાર કૃતજ્ઞતા છે. હું આગામી ઘણા વર્ષો સુધી ભારતમાં રહીને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવા અને મારા ઓનલાઈન સમુદાય સાથે અનુભવો શેર કરવા આતુર છું."

 ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયો પર નેટીઝન્સ દિલ ખોલીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે તેમને ભારતના ઉત્તર-પૂર્વ (North-East) રાજ્યોની મુલાકાત લેવાનું આમંત્રણ આપતા લખ્યું કે, "એકવાર નોર્થ-ઈસ્ટ આવો, આ જીવનભરની યાદગાર સફર બની રહેશે." જ્યારે અન્ય એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું કે, "તમે પહેલા એવા ઓસ્ટ્રેલિયન છો જેને ભારત સાથે આટલો બધો પ્રેમ થઈ ગયો છે." એન્ડીના આ વિડીયોએ ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક આકર્ષણને ફરી એકવાર સાબિત કરી દીધું છે.

(8:50 PM IST)