News of Monday, 10th August 2026
એનડીએ (NDA) સાથે જોડાણની અટકળો વચ્ચે વડાપ્રધાન મોદીને મળ્યા NCP-SP ના સાંસદો: મતવિસ્તારના પડકારો અને પૂર-પાકના પ્રશ્નો રજૂ કર્યા
સુપ્રિયા સુલેના નેતૃત્વમાં ૮ સાંસદોના મંડળે પીએમ સાથે ૩૦ મિનિટ સુધી કરી બેઠક; જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે માટે 'ભારત રત્ન' ની કરી માંગણી

નવી દિલ્હી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના આઠ સાંસદોના પ્રતિનિધિમંડળે સોમવારે નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અધિકૃત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. એનસીપી-એસપી પાર્ટી એનડીએ (NDA) માં જોડાવાની અટકળો વચ્ચે યોજાયેલી આ બેઠકને કારણે દેશના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
સુપ્રિયા સુલેના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠક આશરે ૩૦ મિનિટ સુધી ચાલી હતી. મુલાકાત દરમિયાન સાંસદોએ રાજકીય અટકળોથી પર રહીને મુખ્યત્વે પોતપોતાના લોકસભા મતવિસ્તારના જ્વલંત પ્રશ્નો વડાપ્રધાન સમક્ષ મૂક્યા હતા. જેમાં તાજેતરમાં પડેલા અપૂરતા વરસાદ, પૂરથી થયેલા નુકસાન, ખેડૂતોના પાકના યોગ્ય ભાવ અને પ્રદેશના વિકાસ કાર્યો સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત પ્રતિનિધિમંડળે દેશના મહાન સમાજ સુધારકો મહાત્મા જ્યોતિબા ફૂલે, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે, સાહિત્યકાર અન્નાભાઉ સાઠે અને રાષ્ટ્રસંત ટુકડોજી મહારાજને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' આપવા માટે વડાપ્રધાનને વિશેષ વિનંતી કરી હતી.
જોકે આ બેઠક માત્ર મતવિસ્તાર અને જનહિતના મુદ્દાઓ પર કેન્દ્રિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હાલના રાજકીય સમીકરણો અને જોડાણની ચર્ચાઓ વચ્ચે શરદ પવારના સાંસદોની વડાપ્રધાન સાથેની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
