<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મોબાઈલ પર આવતા ફેક કોલ્‍સથી મળશે મુક્‍તિ

TRAI એ લોકો ને ફેક કોલ થી બચાવવા રોજ નવી વ્‍યવસ્‍થા શરૂ કરી : હવે ગેસ, વીજળી અને કુરિયર કંપનીઓના કોલ ૧૬૦૧ સીરીઝના ખાસ નંબર થી આવશે, આનાથી યુઝર્સ માટે ફ્રોડ કોલ્‍સ ઓળખવા સરળ બનશે

નવી દિલ્‍હી,તા.૧૧: TRAI એટલે કે, ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ લોકોને ફેક અને ફ્રોડ કોલ્‍સથી બચાવવા માટે એક મોટું પગલું ઉઠાવ્‍યું છે. ૧૦ ઓગસ્‍ટ ૨૦૨૬ના રોજ ટ્રાઈએ નવી વ્‍યવસ્‍થા શરૂ કરી છે, જેના હેઠળ હવે ગેસ, વીજળી અને કુરિયર કંપનીઓના કોલ્‍સ ૧૬૦૧ સીરીઝ વાળા ખાસ નંબરથી આવશે. આનાથી યુઝર્સ માટે ફ્રોડ કોલ્‍સને ઓળખવા ખૂબ જ સરળ બની જશે.

બેંક અને સરકારી કોલ્‍સ માટે ૧૬૦૦ નંબર વાળી સીરીઝ જ ચાલુ રહેશે.

આ નવી સિસ્‍ટમ લાગુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને ૯૦ દિવસનો સમય મળ્‍યો છે.

૧૬૦૧ નંબર વાળી સીરીઝથી કોઈપણ પ્રકારના પ્રચાર (Promotional) માટેના કોલ કરી શકાશે નહીં.

અત્‍યાર સુધી ઠગ અને ભેજાબાજ લોકો સામાન્‍ય ૧૦-અંક વાળા મોબાઈલ નંબરથી કોલ કરીને પોતાને કંપનીના કર્મચારી બતાવીને લોકોને શિકાર બનાવતા હતા. આ સમસ્‍યાને ઉકેલવા માટે ટ્રાઈએ '૧૬૦૧' નંબર શ્રેણીનો પ્રથમ તબક્કો (Phase-1) લાગુ કર્યો છે. આનાથી કોઈપણ સામાન્‍ય નાગરિક જાણી શકશે કે, આવનાર કોલ કોઈ માન્‍ય સર્વિસ પ્રોવાઈડરનો છે કે ફ્રોડનો.

ટ્રાઈના નવા નિયમના પ્રથમ તબક્કામાં યુટિલિટી અને લોજિસ્‍ટિક્‍સ સેક્‍ટરને સામેલ કરાયા છે.

વીજળી વિતરણ કંપનીઓ, સિટી ગેસ અને LPG ડિસ્‍ટ્રિબ્‍યુશન સંસ્‍થાઓ.

કુરિયર કંપનીઓ, એક્‍સપ્રેસ લોજિસ્‍ટિક્‍સ અને પાર્સલ ડિલિવરી સર્વિસ.

બેંકિગ, ફાઇનાન્‍સ, ઈન્‍સ્‍યોરન્‍સ (BFSI) અને સરકારી સંસ્‍થાઓ માટે પહેલાની જેમ જ ૧૬૦૦ સીરીઝ ચાલુ રહેશે.

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) ને ૯૦ દિવસની અંદર આ વ્‍યવસ્‍થા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. ૧૬૦૧ સીરીઝના નંબર યોગ્‍ય ચકાસણી બાદ સીધા જ પાત્ર સંસ્‍થાઓને ફાળવવામાં આવશે અને વચેટિયાઓને પ્રક્રિયામાંથી બહાર રખાયા છે.

આ નંબરનો ઉપયોગ માત્ર ટ્રાન્‍ઝેક્‍શનલ અને સેવા સંબંધિત કોલ્‍સ માટે જ થઈ શકશે, પ્રચાર માટે તેનો ઉપયોગ કરવા પર મનાઈ છે.

(10:02 AM IST)