News of Tuesday, 11th August 2026
ખાખી પર ડાઘ: પહેલી જ પોસ્ટિંગમાં ₹1 કરોડનું હાઇ-પ્રોફાઇલ લાંચ કૌભાંડ; CBI કોર્ટે છત્તીસગઢ DGP અને CBI ડાયરેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો
સાયબર છેતરપિંડીના કેસમાં રફા-દફા કરવા માટે ટ્રેઇની IPS રાહુલ બંસલ અને સાથી પોલીસકર્મીઓ સામે હવાલા મારફતે ₹1 કરોડની કથિત લાંચ લેવાનો સનસનાટીભર્યો આરોપ

નવી દિલ્હી: તા.11 — દેશની આઇએએસ અને આઇપીએસ કેડર જેમને પ્રામાણિકતા અને સેવા માટે ઓળખવામાં આવે છે, ત્યાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છત્તીસગઢ કેડરના 2022 બેચના તાલીમાર્થી (ટ્રેઇની) IPS અધિકારી રાહુલ બંસલ પોતાની કારકિર્દીની પહેલી જ પોસ્ટિંગમાં એક સનસનાટીભર્યા લાંચ કૌભાંડમાં ઘેરાયા છે. સાયબર છેતરપિંડીના એક હાઇ-પ્રોફાઇલ કેસને સેટલ કરવાના બદલામાં ₹1 કરોડની માતબર રકમની લાંચ માંગવા અને સ્વીકારવાનો ગંભીર આરોપ તેમની સામે લાગ્યો છે. આ મામલો હવે દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ (CBI) કોર્ટ સુધી પહોંચી ગયો છે, જેણે આ ઘટનાની અત્યંત ગંભીર નોંધ લીધી છે.
કોણ કોણ છે આ કૌભાંડના મુખ્ય આરોપીઓ?
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ લાંચ કૌભાંડમાં માત્ર IPS રાહુલ બંસલ જ નહીં, પરંતુ તેમના બે મદદનીશ પોલીસ અધિકારીઓ—આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) પ્રવીણ કુમાર રાઠોડ અને કોન્સ્ટેબલ અંશુલ શર્માના નામો પણ સામેલ છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આખી રમત અત્યંત આયોજનબદ્ધ રીતે રમાઈ હતી. ફરિયાદીએ પોતાના દાવાના સમર્થનમાં વોટ્સએપ (WhatsApp) ચેટ્સ, કોલ રેકોર્ડિંગ્સ અને ડિજિટલ પુરાવાઓનો મોટો જથ્થો અદાલતમાં રજૂ કર્યો છે, જેના આધારે કેસ વધુ મજબૂત બન્યો છે.
આવકવેરા નિરીક્ષકથી IPS સુધીની સફર અને પહેલી જ ફિલ્ડ પોસ્ટિંગમાં કૌભાંડ
IPS રાહુલ બંસલની ભૂતકાળની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા તેઓ આવકવેરા વિભાગ (Income Tax)માં નિરીક્ષક તરીકે ફરજ बजाવતા હતા. ત્યારબાદ વર્ષ 2022માં તેઓ IPS તરીકે પસંદગી પામ્યા. સરકારી તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમને છત્તીસગઢના અંબિકાપુર (સુરગુજા) જિલ્લામાં સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (CSP) તરીકે પહેલું ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું હતું. આ પ્રારંભિક તબક્કામાં જ સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો હતો, જેને દબાવી દેવા માટે રૂ. ૧ કરોડની માંગણી કરવામાં આવી હોવાનો દાવો છે.
હવાલા નેટવર્ક દ્વારા બે હપ્તામાં નાણાં ટ્રાન્સફર કરાયા
આ લાંચ કેસમાં સૌથી રોમાંચક વળાંક એ છે કે ₹1 કરોડની રકમ એકસાથે રોકડેથી લેવાને બદલે ખૂબ જ શાતિર રીતે મેળવવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, મે 2026 દરમિયાન હવાલા (Hawala) ચેનલનો ઉપયોગ કરીને ₹50-50 લાખના બે અલગ-અલગ હપ્તામાં આ રકમ પહોંચાડવામાં આવી હતી. વાતચીતના સ્ક્રીનશોટ્સ અને વોઇસ રેકોર્ડિંગ્સે આ ગેરકાયદેસર વ્યવહારોની પોલ ખોલી નાખી છે.
સ્પેશિયલ CBI કોર્ટની સખત કાર્યવાહી: એક્શન ટેકન રિપોર્ટ (ATR) માંગ્યો
ડિજિટલ પુરાવાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે છત્તીસગઢના પોલીસ મહાનિર્દેશક (DGP) અને સીબીઆઈ (CBI) ના ડિરેક્ટર બંનેને આદેશ આપીને એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટતા માગી છે કે ફરિયાદ મળ્યા બાદ આ અધિકારીઓ સામે અત્યાર સુધીમાં શું પગલાં લેવાયા છે, તપાસ કયા તબક્કે છે અને કોઈ વચગાળાની કાર્યવાહી કે નિલંબન કરવામાં આવ્યું છે કે નહીં. કોર્ટના આ કડક વલણ બાદ હવે છત્તીસગઢ પોલીસ બેડા અને તપાસ એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
