<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અમેરિકાથી દિલ્હી સુધીનો રાજકીય કનેક્ટ: CJP ના સ્થાપક અભિજીત દિપકેના જૂના ટ્વીટ્સે ખુલ્લી પાડી AAP સાથેના સંબંધોની પોલ

૨૦૨૩માં સંબંધ પૂરો થયાના દાવા વચ્ચે ૨૦૨૫ની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટી માટે યુએસથી ઉડીને પ્રચાર કરવા આવ્યા હોવાનો દાવો વાયરલ ટ્વીટ્સથી સત્ય સાબિત થયો

નવી દિલ્હી: તા.૧૧ — 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દિપકે અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેના ભૂતપૂર્વ સંબંધોને લઈને રાજકીય વર્તુળોમાં એક નવો વિવાદ છેડાયો છે. દિપકેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેઓ ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી જ 'આપ' સાથે જોડાયેલા હતા. પરંતુ સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તેમના જૂના ટ્વીટ્સ અને ડિજિટલ પુરાવાઓએ અલગ જ કહાની બયાન કરી છે. આ પુરાવાઓ દર્શાવે છે કે ૨૦૨૩ પછી પણ અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ ચાલુ હતો અને તેઓ ૨૦૨૫ ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ખાસ અમેરિકાથી ભારત આવ્યા હતા.

 

ડિસેમ્બરમાં ભારત આગમન અને 'કૉલ ઑફ ડ્યુટી'

વાયરલ થયેલા ટ્વીટ્સની તપાસમાં સામે આવ્યું છે કે અભિજીત દિપકે ડિસેમ્બર ૨૦૨૪ માં યુનાઇટેડ સ્ટેટ્સથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ તેમણે એરપોર્ટ પરથી પોતાના સામાનનો ફોટો શેર કરીને લખ્યું હતું, "કૉલ ઑફ ડ્યુટી... @aamaadmiparty". તેઓ લગભગ બે મહિના સુધી ભારતમાં રોકાયા હતા અને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી માટે ગ્રાઉન્ડ લેવલ પર સક્રિયપણે કામ કર્યું હતું.

 

"પાર્ટી માટે જે થઈ શકે તે કર્યું" – વાયરલ ટ્વીટથી સત્ય સામે આવ્યું

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એટલે કે ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દિપકેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "આજે પ્રચાર પૂર્ણ થયો. છેલ્લા બે વર્ષમાં પાર્ટીએ જે પડકારોનો સામનો કર્યો છે, તેમ છતાં જે રીતે 'આપ' આ ચૂંટણી લડી તેના પર મને ગર્વ છે." આ ટ્વીટના જવાબમાં જતિન નામના એક સમર્થકે તેમનો આભાર માનતા લખ્યું હતું કે, "તમે પાર્ટીની મદદ માટે સીધા યુએસથી ઉડીને આવ્યા, તે બદલ આભાર." જેના જવાબમાં દિપકેએ લખ્યું હતું, "આ તો હું ઓછામાં ઓછું કરી શકું છું, આપણે જીતીશું."

 

ઇન્ટરવ્યુના દાવા અને જૂના ટ્વીટ્સ વચ્ચે વિરોધાભાસ

તાજેતરમાં ન્યૂઝ ૨૪ ને આપેલા ઇન્ટરવ્યુમાં અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે, "હું ખુલ્લા મનથી સ્વીકારું છું કે મેં અગાઉ આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું હતું. ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી હું તેમની સાથે હતો. તેમાં કંઈ છુપાવવા જેવું નથી, હું કોઈ આતંકવાદી સંગઠન સાથે નહોતો જોડાયો." જોકે, તેમના જ વાયરલ ટ્વીટ્સ સાબિત કરે છે કે ૨૦૨૩ પછી પણ તેઓ AAP માટે એટલા જ સમર્પિત હતા કે ફેબ્રુઆરી ૨૦૨૫ ના પરિણામો જાહેર થયા બાદ જ તેઓ અમેરિકા પરત ફર્યા હતા. આ ઘટસ્ફોટ બાદ રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા જાગી છે.

(3:39 PM IST)