News of Tuesday, 11th August 2026
સંસદમાં મોટો રાજકીય વળાંક: વિવાદોમાં ઘેરાયેલું FCRA સુધારા બિલ JPC પાસે મોકલવાની સરકારની તૈયારી; વિપક્ષ બિલ પાછું ખેંચવાની માંગ પર અડગ
ડીએમકે, એનસીપી અને ખ્રિસ્તી સંગઠનોના જોરદાર વિરોધ સામે ઝૂકી મોદી સરકાર; ગૃહની ગતિરોધ ઉકેલવા વડાપ્રધાન સાથે ચર્ચા બાદ કિરેન રિજિજુ એક્શનમાં

નવી દિલ્હી: તા.11 — કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વિવાદાસ્પદ વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, 2026 (FCRA Amendment Bill, 2026) ને લઈને સંસદથી લઈને રાજકીય ગલિયારામાં ભારે વિવાદ વકર્યો છે. વિપક્ષી પક્ષો અને રાજ્ય સ્તરના અનેક વરિષ્ઠ નેતાઓના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને મોદી સરકાર હવે આ બિલને સંસદમાં આગળ ધપાવતા પહેલાં તેની વિગતવાર સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) માં મોકલવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. તાજેતરમાં યોજાયેલી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠકના એજન્ડામાંથી આ બિલને દૂર રાખવામાં આવ્યું હોવાથી સરકાર બેકફૂટ પર હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
સંસદીય ગતિરોધ તોડવા વડાપ્રધાન અને મંત્રીઓની દોડધામ
ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં સતત સર્જાઈ રહેલા ગતિરોધને તોડવા માટે સરકારે પ્રયાસો વધુ તેજ બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી હતી. ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે રિજિજુ વિપક્ષી નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. જાકે, વિરોધ પક્ષોએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે માત્ર JPC ને બિલ મોકલવું પૂરતું નથી, પરંતુ સરકારે આ કાયદાકીય પ્રસ્તાવને સંપૂર્ણપણે પાછો ખેંચવો પડશે.
શું છે આ FCRA સુધારા બિલનો વિવાદ?
આ બિલ 25 માર્ચ, 2026 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનોના વિરોધ બાદ તેને અટકાવવું પડ્યું હતું. બિલમાં વિદેશી ભંડોળ (Foreign Funding) મેળવવાના નિયમો અત્યંત કડક બનાવવાની જોગવાઈઓ છે અને વર્તમાન કાયદાની કલમ 15 રદ કરવાની માંગ ઉઠી છે. આ કડક નિયમોને કારણે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનું કામકાજ પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
સાથી અને વિપક્ષી પક્ષોનું આક્રમક વલણ
બિલ સામે માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ કેટલાક મહત્વના પ્રાદેશિક પક્ષોએ પણ મોરચો માંડ્યો છે:
- DMK નું કડક વલણ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નિર્દેશ પર સાંસદ પી. વિલ્સનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે ગૃહમંત્રી અમિત શાહને મળીને બિલ પાછું ખેંચવા માંગ કરી છે. સીમાંકન બિલ પર સરકારને DMK ના સમર્થનની જરૂર હોવાથી તેમનું આ વલણ નિર્ણાયક માનવામાં આવે છે.
- NCP અને અન્ય નેતાઓની માંગ: એનસીપી (શરદચંદ્ર પવાર) ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે તમામ વિદેશી ભંડોળને શંકાથી જોવું યોગ્ય નથી અને બિલને JPC માં મોકલવું જોઈએ. મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમા અને અનેક ખ્રિસ્તી સામાજિક સંગઠનોએ પણ આ જ માંગ દોહરાવી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
