ગંદકી, વંદાઓ અને એક્સપાયર્ડ સામાન મળતા Blinkit નો સ્ટોર સીલ : FDA એ લાઈસન્સ સસ્પેન્ડ કરી લીધા કડક પગલાં
મુંબઈના મલાડ સ્થિત સ્ટોર પર દરોડા દરમિયાન શાકભાજી-ફળોમાં વંદાઓનો ઉપદ્રવ, રસ્ટ વાળા રેક, કચરા વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓ અને કર્મચારીઓના મેડિકલ રેકોર્ડનો અભાવ જણાતા એફડીએની લાલ આંખ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા અસુરક્ષિત અને અસ્વચ્છ ખાદ્ય પદાર્થો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના ખાદ્ય અને ઔષધ પ્રશાસન (FDA) દ્વારા જાણીતી ક્વિક-કોમર્સ કંપની બ્લિંકઇટ (Blink Commerce Pvt. Ltd.) પર મોટી કાર્યવાહી કરીને તેના સ્ટોરનું ફૂડ લાઈસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અસ્વચ્છતા, કીટકોનો ઉપદ્રવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ આ પગલું ભરવામાં આવ્યું છે.
એફડીએ બૃહન્મુંબઈ વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે નિયમિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મુંબઈના મલાડ (વેસ્ટ) સ્થિત રામચંદ્ર લેન પર આવેલ 'બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ'ના ગાલા નંબર A-03, સર્વોદય ભવન સ્થિત સ્ટોર પર ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કર્યું હતું.
શાકભાજી-ફળોમાં વંદાઓનો ઉપદ્રવ અને એક્સપાયર્ડ માલનો જથ્થો:
તપાસ દરમિયાન અધિકારીઓને સ્ટોરમાં ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. ફળો અને શાકભાજીના સ્ટોકમાં મોટી સંખ્યામાં વંદાઓનો ઉપદ્રવ હતો, જેનાથી ખોરાક દૂષિત થવાનું ગંભીર જોખમ ઊભું થયું હતું. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોનું અયોગ્ય ભંડારણ, કાટ લાગેલા રેક, ફ્લોર પર સીધો સામાન રાખવો, કોલ્ડ સ્ટોરેજની અપૂરતી સફાઈ, એક્સપાયર્ડ તથા ચેડાં કરેલા પેકેજ્ડ ફૂડનો જથ્થો અને FIFO/FEFO સિસ્ટમનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં સ્ટોરેજ એરિયામાં ઉંદરો અને જંતુઓ પર નિયંત્રણના ઉપાયોનો અભાવ, કચરા વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓ, કર્મચારીઓની તબીબી તપાસ અને આરોગ્ય સંબંધિત રેકોર્ડનો અભાવ તેમજ સાધન-સામગ્રીની અછત પણ જોવા મળી હતી.
લાઈસન્સ રદ: હવે વેચાણ કે વિતરણ કર્યા તો થશે કાનૂની કાર્યવાહી:
આ તમામ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૩૨(૩) અને સંબંધિત નિયમો હેઠળ બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડનું ફૂડ લાઈસન્સ આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી નૌંધણી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. લાઈસન્સ મોકૂફી દરમિયાન આ સ્થળેથી કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થનું વેચાણ, વિતરણ કે વ્યવસાય ચાલુ રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ સમયગાળા દરમિયાન કારોબાર ચાલુ જણાશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
