<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

પંજાબ ભાજપમાં ભડકો ! હોશિયારપુરમાં ૧૧૧ હોદ્દેદારોના પદત્યાગ બાદ જૂના જોગીઓ પણ નારાજ : ૨૦૨૭ પહેલાં મોવડીમંડળની ચિંતા વધી

ચંદીગઢ : પંજાબ ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો બાદ શરૂ થયેલી નારાજગી હવે ખુલ્લેઆમ સામે આવી છે. હોશિયારપુરમાં જિલ્લા પ્રમુખ તરીકે તાજેતરમાં નિયુક્ત સતીષ બાવાને માત્ર થોડા દિવસમાં હટાવી નીતિન ગુપ્તા ‘નન્નુ’ને જવાબદારી સોંપવાના નિર્ણય સામે પૂર્વ મંત્રી તીક્ષ્ણ સુદના સમર્થકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો હતો. તેના પગલે ૧૧૧ હોદ્દેદારો અને કાર્યકરોએ સંગઠનના પદો છોડવાની યાદી જાહેર કરી હતી. મહત્વનું એ છે કે આ તમામે ભાજપનું પ્રાથમિક સભ્યપદ છોડ્યું નથી, પરંતુ સંગઠનાત્મક હોદ્દાઓ પરથી રાજીનામાં આપ્યાં છે. 

 

બીજી તરફ ત્રણ દાયકાથી વધુ સમયથી પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા સુખમિંદરપાલ સિંહ ગ્રેવાલે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે જૂના અને સમર્પિત કાર્યકરોની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. પક્ષના પ્રવક્તા ચેતન મોહન જોશીએ પણ પ્રાથમિક સભ્યપદ છોડ્યું હોવાનું સામે આવ્યું છે. 

 

રાજ્ય ભાજપ પ્રમુખ કેવલ સિંહ ઢિલ્લોને તાજેતરમાં રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષ તમામ ૧૧૭ બેઠકો ઉપર સંગઠન મજબૂત બનાવવાની તૈયારીમાં છે, ત્યારે આંતરિક અસંતોષ મોવડીમંડળ માટે મોટો પડકાર બની રહ્યો છે. 

(5:07 PM IST)