News of Tuesday, 11th August 2026
બાંગ્લાદેશના રાજકારણમાં મોટો વળાંક: વડાપ્રધાન તારિક રહેમાનની ભારતને ખુલ્લી ઓફર : શેખ હસીનાના પ્રત્યાર્પણ મુદ્દે 'ઢાકા' આક્રમક
ભારતીય હાઈકમિશનર દિનેશ ત્રિવેદી સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા અનુકૂળ વાતાવરણ બનાવવાની હિમાયત : ઓગસ્ટ ૨૦૨૪ની હકાલપટ્ટી અને મૃત્યુદંડની સજા બાદ ભારતમાં આશ્રય લઈ રહેલા પૂર્વ પીએમ હસીનાને પરત લાવવા બાંગ્લાદેશનું દબાણ વધ્યું

ઢાકા: બાંગ્લાદેશમાં ઓગસ્ટ ૨૦૨૪ના તખ્તાપલટ પછી સર્જાયેલા રાજકીય વંટોળ વચ્ચે હવે વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા માટે મોટું નિવેદન આપ્યું છે. સોમવારે ઢાકા ખાતે ભારતના નવા હાઈકમિશનર દિનેશ ત્રિવેદી સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન રહેમાને ખુલીને વાત કરતા જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મજબૂત અને અનુકૂળ સંબંધોનું વાતાવરણ નિર્માણ પામે તે અત્યંત જરૂરી છે. જોકે, આ મિત્રતાની પહલ સાથે જ બાંગ્લાદેશ સરકારે ભારત સામે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવવાની તીવ્ર માંગણી દોહરાવી છે.
છ મહિના જૂની તારિક રહેમાન સરકાર માટે ભારત જેવા સૌથી મોટા પાડોશી દેશ સાથેના સંબંધો સુધારવા એક મોટો પડકાર બની રહ્યા છે. હસીના સરકારના પતન બાદથી જ બંને દેશો વચ્ચે અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પર તણાવ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશની અદાલત દ્વારા નવેમ્બરમાં શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોવાથી ઢાકા તંત્ર તેમને કાનૂની કાર્યવાહી માટે પોતાના દેશમાં પરત સોંપવાની માંગ પર અડગ છે. આ બેઠકમાં રહેમાને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભારત તરફથી હસીનાના મુદ્દા પર યોગ્ય સહયોગ મળે તો જ દ્વિપક્ષીય સંબંધોમાં વાસ્તવિક સુધારો શક્ય બનશે.
બીજી તરફ, લાંબા સમય પછી શેખ હસીનાના તાજેતરના જાહેરમાં દેખાવાથી આ સમગ્ર મુદ્દો વધુ ગરમાયો છે. એક ઓનલાઈન ઓડિયો કોન્ફરન્સ દ્વારા દેશ છોડ્યા બાદ પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા હસીનાએ ડિસેમ્બરમાં જ પોતાના દેશ બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી દીધી છે. હસીનાના આ દાવા બાદ ઢાકાનું રાજકારણ ગરમાયું છે અને નવી દિલ્હી માટે પણ આ બાબત એક મોટી કૂટનૈતિક કસોટી બની ગઈ છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બધાની નજર ભારત સરકારના આગામી નિર્ણય અને દક્ષિણ એશિયાના આ મહત્વપૂર્ણ કૂટનૈતિક તખ્તા પર ટકેલી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
