<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ડિજિટલ ક્રાંતિની મહા-ગાથા: વિઝા અને માસ્ટરકાર્ડના સામ્રાજ્યને ભોંયભેગું કરીને યુપીઆઈ કેવી રીતે બન્યું ભારતનું 'કિંગ'?

ઝીરો ચાર્જ, સરળ કનેક્ટિવિટી અને નોટબંધીના માસ્ટરસ્ટ્રોકથી ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયેલી સફર જુલાઈ ૨૦૨૬માં દૈનિક ₹૯૬,૩૮૩ કરોડના કારોબારે પહોંચી : ડેબિટ કાર્ડ હવે માત્ર એટીએમમાંથી રોકડ ઉપાડવા પૂરતું સીમિત

મુંબઈ: ભારતમાં કોઈ પણ નવી ટેકનોલોજીને સામાન્ય નાગરિક સુધી પહોંચતા દાયકાઓ લાગી જતા હોય છે, પરંતુ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ઓગસ્ટ ૨૦૧૬માં લોન્ચ કરાયેલા યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) એ તમામ જૂના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે. એક સમયે દેશના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વિઝા (VISA) અને માસ્ટરકાર્ડ જેવી વૈશ્વિક મલ્ટીનેશનલ કંપનીઓનો એકચક્રીય દબદબો હતો. પરંતુ, યુપીઆઈના 'ઝીરો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) એટલે કે સંપૂર્ણ મફત વ્યવહાર અને ક્યુઆર કોડ સ્કેન કરીને સેકન્ડોમાં નાણાં ટ્રાન્સફર કરવાની અત્યંત સરળ પદ્ધતિએ કાર્ડ સિસ્ટમનો ખેલ તમામ કરી દીધો છે.

નવેમ્બર ૨૦૧૬ની નોટબંધી યુપીઆઈ માટે સૌથી મોટો 'ગેમ ચેન્જર' તબક્કો સાબિત થઈ હતી, જ્યારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો અચાનક બંધ થતાં સામાન્ય શાકભાજીવાળાથી લઈને મોટા શોપિંગ મોલ સુધી યુપીઆઈ લાઈફલાઈન બની ગયું. આંકડાઓ આ સફળતાની ભવ્યતા દર્શાવે છે: ૨૦૧૬માં શરૂઆતી તબક્કે માત્ર ₹૩ કરોડના ટ્રાન્ઝેક્શન ધરાવતું યુપીઆઈ જુલાઈ ૨૦૨૬ સુધીમાં માસિક ₹૨૯.૮૭ લાખ કરોડના કારોબાર પર પહોંચી ગયું છે, જે સરેરાશ દૈનિક ₹૯૬,૩૮૩ કરોડથી વધુનો આંકડો દર્શાવે છે. ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં કુલ વ્યવહારોમાંથી ૬૩% વ્યવહારો વ્યક્તિ-થી-વેપારી (P2M) વચ્ચે થયા છે, જેમાં ૮૬% ચૂકવણી ₹૫૦૦થી પણ નાની રકમની રહી છે.

ભારતીય રિઝર્વ બેંક  ના તાજેતરના પેમેન્ટ સિસ્ટમ રિપોર્ટ મુજબ, ડેબિટ કાર્ડ્સ હવે પોતાના અંતિમ દિવસો ગણી રહ્યા હોય તેવું લાગે છે. જૂન ૨૦૨૬ના ડેટા દર્શાવે છે કે દેશમાં ડેબિટ કાર્ડનો ૮૦.૪% ઉપયોગ માત્ર એટીએમ માંથી રોકડ ઉપાડવા માટે જ થાય છે, જ્યારે સ્ટોર્સ પર કાર્ડ સ્વાઈપિંગ ઘટીને માત્ર ૧૪.૪% અને ઓનલાઈન શોપિંગમાં તે માત્ર પ.૨% રહી ગયું છે. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વર્ષ ૨૦૧૬માં કરેલી આગાહી આજે સાચી સાબિત થઈ છે; દેશના ૮૫.૫% નાણાકીય ચૂકવણી વ્યવહારો એકલા યુપીઆઈ દ્વારા થઈ રહ્યા છે, જ્યારે વિઝા અને માસ્ટરકાર્ડ જેવા કાર્ડ્સનો હિસ્સો ઘટીને માત્ર ૨.૬% પર સિમિત થઈ ગયો છે.

(5:39 PM IST)