<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારાઓને આંચકો: સરકારે સબસિડીમાં કર્યો ૫૦% નો કાપ, પરંતુ 'PM ઇ-ડ્રાઇવ' યોજના ૨૦૨૮ સુધી લંબાવી!

હવે પ્રતિ kWh રૂ. ૨,૫૦૦ જ મળશે સબસિડી; ભારે ઉદ્યોગ મંત્રાલયે રૂ. ૧૧,૯૦૦ કરોડનું બજેટ યથાવત રાખી યોજનાની મુદત એક વર્ષ લંબાવી

નવી દિલ્હી: તા.૧૧ : કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી 'પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ' (PM E-DRIVE) યોજનાની સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૮ સુધી લંબાવી દીધી છે. જોકે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે આંચકાજનક સમાચાર એ છે કે સુધારેલા માળખા હેઠળ ટુ-વ્હીલર પર મળતા નાણાકીય પ્રોત્સાહનો (સબસિડી) માં ૫૦ ટકાનો સીધો ઘટાડો કરવામાં આવ્યો છે.

 

સબસિડીના નવા દર અને મહત્તમ મર્યાદા

ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની સબસિડી અગાઉના રૂ. ૫,૦૦૦ પ્રતિ kWh થી ઘટાડીને હવે રૂ. ૨,૫૦૦ પ્રતિ kWh કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વાહન દીઠ મળતું મહત્તમ પ્રોત્સાહન પણ રૂ. ૧૦,૦૦૦ થી ઘટાડીને રૂ. ૫,૦૦૦ કરી દેવાયું છે. આ નવું સબસિડી માળખું રૂ. ૧.૫ લાખ સુધીની એક્સ-ફેક્ટરી કિંમત ધરાવતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પર જ લાગુ થશે. સાથે જ પ્રોત્સાહન રકમ વાહનના એક્સ-ફેક્ટરી ભાવના ૧૫ ટકાથી વધુ હોવી જોઈએ નહીં.

 

બજેટ ફાળવણી યથાવત અને લક્ષ્યાંક

સબસિડીમાં કાપ મૂકવા છતાં સરકારે આ સમગ્ર યોજના માટેનું કુલ નાણાકીય બજેટ રૂ. ૧૧,૯૦૦ કરોડ પર યથાવત રાખ્યું છે. નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે લગભગ રૂ. ૨,૭૬૭ કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે, જેના દ્વારા આશરે ૪૫.૭૯ લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને આવરી લેવાનો લક્ષ્યાંક છે. સપ્ટેમ્બર ૨૦૨૪ માં શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં EV ના વેચાણને વેગ આપવો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું અને દેશમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનનું આિવસન (ઇકોસિસ્ટમ) ઊભું કરવાનો છે.

 

મુદત અને દવાની અંતિમ તારીખો

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ૩૧ માર્ચ, ૨૦૨૮ એ આ યોજના હેઠળની તમામ શ્રેણીઓ માટે આખરી મુદત રહેશે અને ત્યારબાદ કોઈ જ ચુકવણી કરવામાં આવશે નહીં. કોઈપણ ઘટક હેઠળ દાવાઓ (Claims) સબમિટ કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૭ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ શ્રેણી માટે ફાળવેલ ભંડોળ નિર્ધારિત સમય મર્યાદા પહેલાં પૂરું થઈ જશે, તો તે સેગમેન્ટ તુરંત બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (L5 શ્રેણી) નો લક્ષ્યાંક પૂર્ણ થઈ જતાં તેને ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ જ બંધ કરી દેવામાં આવી હતી.

 

(5:41 PM IST)