<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

દિલ્હી-ફુકેટ ફ્લાઇટ ટર્બ્યુલન્સ વિવાદ ઘેરાયો: તપાસ વચ્ચે એર ઇન્ડિયાના સીઇઓ વિલ્સન કેમ્પબેલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA ને મળ્યા!

વિમાન અચાનક ૩૦૦ ફૂટ નીચે ખાબકવાની ઘટના બાદ તપાસ તેજ; કમાન્ડ પાઇલટનો ડ્રગ્સ ટેસ્ટ 'નેગેટિવ' ન આવતાં કડક પગલાંના સંકેત

નવી દિલ્હી: ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સર્જાયેલી ગંભીર ટર્બ્યુલન્સ ઘટના બાદ સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. વિમાન અચાનક આકાશમાં આશરે ૩૦૦ ફૂટ નીચે ખાબકતાં ૧૭ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર ઘટનાની ચાલી રહેલી તપાસ વચ્ચે એર ઇન્ડિયાના આઉટગોઇંગ સીઇઓ (CEO) કેમ્પબેલ વિલ્સને મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.

 

પાઇલટનો સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ ટેસ્ટ પોઝિટિવ હોવાની શંકા

આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનો પ્રારંભિક સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ સ્ક્રીનીંગ ટેસ્ટ (ડ્રગ્સ ટેસ્ટ) "નેગેટિવ" આવ્યો ન હતો. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાઇલટના સેમ્પલને કન્ફર્મેશન ટેસ્ટ માટે સ્પેશિયલાઇઝ્ડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. DGCA ના કડક નિયમો મુજબ, જે પાઇલટનો પ્રારંભિક રિપોર્ટ શંકાસ્પદ જણાય તેને તાત્કાલિક તમામ ફ્લાઇંગ ફરજોમાંથી દૂર કરવામાં આવે છે. હાલમાં એર ઇન્ડિયાએ ફ્લાઇટના બંને પાઇલટ્સને ગ્રાઉન્ડ કરી દીધા છે.

 

AAIB દ્વારા ગંભીર તપાસ શરૂ

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ ઘટનાને 'અત્યંત ગંભીર' ગણાવીને ત્વરિત તપાસ હાથ ધરી છે. તપાસકર્તાઓ વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છે જેથી કરીને એ જાણી શકાય કે આ અકસ્માત પાછળ કોઈ યાંત્રિક ખામી જવાબદાર હતી કે પાઇલટની ગંભીર બેદરકારી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટ અને AAIB ની આખરી તપાસ બાદ જવાબદારો સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(6:25 PM IST)