<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

પ્રશાંત કિશોરનો મોટો ધડાકો: બાંકીપુરના ૧૦,૦૦૦ બેરોજગાર યુવાનોને તાત્કાલિક નોકરી આપવાની જાહેરાત; સીવી અને બાયોડેટા માંગ્યા!

ભાજપના ગઢમાં જીત મેળવ્યા બાદ પીકે એક્શન મોડમાં; પોતાના અંગત સંપર્કોનો ઉપયોગ કરી યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી આપવાનું આપ્યું વચન

પટના : જન સૂરજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરના નવનિર્વાચિત ધારાસભ્ય પ્રશાંત કિશોરે (PK) બિહારના રાજકારણમાં એક નવો જ ધમાકો કર્યો છે. પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ તુરંત જ એક્શન મોડમાં આવેલા પ્રશાંત કિશોરે પોતાના મતવિસ્તારના ૧૦,૦૦૦ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવાની મોટી જાહેરાત કરી છે. તેમણે બાંકીપુરના યુવાનો પાસેથી તેમના સીવી (CV) અને બાયોડેટા મંગાવ્યા છે.

 

ખાનગી ક્ષેત્રમાં અપાશે રોજગારી: પોતાના નેટવર્કનો કરશે ઉપયોગ

બાંકીપુરમાં જનસંપર્ક અભિયાન દરમિયાન જાહેર સભાને સંબોધતા પ્રશાંત કિશોરે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ સરકારી નોકરીનું જૂઠું વચન આપી રહ્યા નથી, પરંતુ ખાનગી ક્ષેત્રમાં યુવાનોને ગોઠવશે. તેમણે જણાવ્યું કે, "અમે સત્તામાં નથી તેથી હાલમાં આ નોકરીઓ બિહાર બહારની પ્રતિષ્ઠિત કંપનીઓ અને ફેક્ટરીઓમાં મળશે. મારા જીવનભરના અંગત સંબંધો અને નેટવર્કનો ઉપયોગ કરીને હું આ બાળકોને રોજીરોટી અપાવીશ." તેમણે આગામી ૧ થી ૨ વર્ષમાં ૧૦,૦૦૦ પરિવારોને આર્થિક ટેકો આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

 

ભાજપના ૩ દાયકા જૂના ગઢમાં મેળવી હતી ભવ્ય જીત

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી પડેલી બાંકીપુર બેઠક પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિંહાને ૧૯,૦૦૦ થી વધુ મતોથી હરાવીને ચોંકાવનારો વિજય મેળવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો અજેય ગઢ ગણાતી આ બેઠક જીત્યા બાદ પીકેએ બાંકીપુરને એક 'આદર્શ વિધાનસભા' બનાવવાની અને શિક્ષણ, આરોગ્ય તેમજ મફત અનાજ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.

 

(6:51 PM IST)