News of Tuesday, 11th August 2026
૧૪મી ઓગસ્ટે પાકિસ્તાનમાં બ્લેક ડે : PoK માં આસિફ મુનીર અને શહબાઝ સરકાર સામે વ્યાપક રોષ : વૈશ્વિક સ્તરે વિરોધનું આહ્વાન
આવામી એક્શન કમિટીએ ૧૩ અને ૧૪ ઓગસ્ટને 'બ્લેક ડે' જાહેર કર્યો : વિદેશોમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસો સામે દેખાવો અને સૈન્ય અત્યાચારો સામે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની રણનીતિ

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના ૭૮મા સ્વતંત્રતા દિવસ (૧૪ ઓગસ્ટ) પૂર્વે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં રાજકીય અને સામાજિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિક નાગરિકો પર પાકિસ્તાની સેના અને પોલીસ દ્વારા કરાયેલા કથિત ગોળીબાર, માનવાધિકાર ઉલ્લંઘન અને ચૂંટણીમાં ગડબડના વિરોધમાં ‘જમ્મુ કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી’ એ ૧૩ અને ૧૪ ઓગસ્ટને સમગ્ર પ્રદેશમાં ‘કાળો દિવસ’ (Black Day) તરીકે મનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ આહ્વાનને કારણે શાહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતાઓમાં ભારે વધારો થયો છે.
આવામી એક્શન કમિટીના વરિષ્ઠ નેતા સરદાર ઉમર નઝીર કાશ્મીરી અનુસાર, આ વિરોધ પ્રદર્શન માત્ર PoK સુધી મર્યાદિત નહીં રહે. ૧૪ ઓગસ્ટે જ્યારે પાકિસ્તાન સરકાર તેની સ્વતંત્રતાની ઉજવણી કરી રહી હશે, ત્યારે લંડન, વોશિંગ્ટન, પેરિસ અને અન્ય વૈશ્વિક રાજધાનીઓમાં વસતા કાશ્મીરીઓ પાકિસ્તાની દૂતાવાસો બહાર એકઠા થઈને ભારે વિરોધ દર્શાવશે. સંગઠનનો આરોપ છે કે PoK માં ૧૨ અનામત બેઠકો અને મોંઘવારી જેવા મૂળભૂત અધિકારો માટે આંદોલન કરી રહેલા ૧૦૦ થી વધુ નિર્દોષ નાગરિકોને સેનાએ ગોળીઓથી વીંધી નાખ્યા છે.
PoK ના નાગરિકોમાં વ્યાપેલો આ વિસ્ફોટક ગુસ્સો હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાકિસ્તાન સરકારની ક્રૂરતા અને અસ્થિરતાને ખુલ્લી પાડી રહ્યો છે. ૧૩ ઓગસ્ટથી શરૂ થનારા બંધ અને વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સૈન્યે સરહદી વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે, પરંતુ આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સેનાના દમન સામે હવે તેઓ કોઈ પણ કિંમતે પાછળ હટશે નહીં.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
