દિલ્હી વિધાનસભામાં ‘ચોખા’ પર ભારે સંગ્રામ: ૨૨,૦૦૦ કરોડના કથિત રાશન કૌભાંડ અંગે હોબાળો : AAPના ૮ ધારાસભ્યો માર્શલ આઉટ
સબસિડીવાળા ચોખાની ખરીદી અને વિતરણમાં ગેરરીતિઓના આરોપ સાથે ચર્ચાની માંગ કરતા વિપક્ષી સભ્યો ગૃહમાંથી બહાર ફેંકાયા: AAP નેતા સૌરભ ભારદ્વાજે હરિયાણાની કંપનીને ફાયદો પહોંચાડવાની યોજના હોવાનો સનસનાટીભર્યો દાવો કર્યો

નવી દિલ્હી ; દિલ્હી વિધાનસભાના સત્ર દરમિયાન શાસક પક્ષ અને મુખ્ય વિપક્ષી પક્ષ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કથિત રાશન કૌભાંડને લઈને આક્રમક રાજકીય ટકરાવ જોવા મળ્યો હતો. AAP ધારાસભ્યોએ ગરીબો માટેના સબસિડીવાળા ચોખાની ખરીદી અને વિતરણમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવી તાત્કાલિક ચર્ચાની ઉગ્ર માંગ કરી હતી. ગૃહમાં પરિસ્થિતિ વણસતા અને ભારે હોબાળો મચતા, સ્પીકરના આદેશથી વિરોધ પ્રદર્શન કરી રહેલા AAPના ૮ ધારાસભ્યોને માર્શલ દ્વારા બળપૂર્વક ગૃહની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા.
AAP દિલ્હી એકમના પ્રમુખ સૌરભ ભારદ્વાજે પત્રકાર પરિષદમાં સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે એક આસામી કંપની અને દિલ્હી સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) પાસેથી દર અઠવાડિયે ૩૧,૦૦૦ મેટ્રિક ટન સબસિડીવાળા ચોખાની માંગણી કરી હતી. આ ચોખા ગરીબ લાભાર્થીઓને વહેંચવાને બદલે હરિયાણાની એક ખાનગી કંપનીને ઊંચા નફે વેચી દેવાનું મોટું કારસૂચુ ઘડાયું હતું. AAPનો દાવો છે કે આ કથિત વ્યવસ્થાથી દર અઠવાડિયે ₹૧૪૩ કરોડનું નુકસાન થત અને ત્રણ વર્ષમાં આ કૌભાંડ ₹૨૨,૦૦૦ કરોડની મંજિલ આંબી ગયું હોત.
બીજી તરફ, દિલ્હી સરકાર અને મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આ તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. સરકારે વળતો આરોપ લગાવ્યો હતો કે AAPના ધારાસભ્ય કુલદીપ કુમારે ગૃહની કાર્યવાહી દરમિયાન સભ્યો અને અધિકારીઓ તરફ ચોખા ફેંકીને વિધાનસભાની ગરિમાનું ભારે અપમાન કર્યું છે. હાલ આ મુદ્દે દિલ્હીનું રાજકારણ ગરમ છે અને વિપક્ષે આ મામલે કાયદાકીય તપાસની માંગ દોહરાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
