<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

પીએમ ઈ-ડ્રાઈવ યોજના ૨૦૨૮ સુધી લંબાવાઈ: ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર : સબસિડીના નિયમોમાં ફેરફાર

ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા ₹૧૧,૯૦૦ કરોડના બજેટ સાથે પીએમ ઈ-ડ્રાઈવ સ્કીમ માર્ચ ૨૦૨૮ સુધી લંબાવાઈ : ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર પ્રતિ kWh પ્રોત્સાહન અડધું કરાયું, હવે વાહન દીઠ મહત્તમ ₹૫,૦૦૦ સબસિડી મળશે

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) ને પ્રોત્સાહન આપવા અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે મહત્ત્વની જાહેરાત કરતા પીએમ ઈ-ડ્રાઈવ (PM E-DRIVE) યોજનાની સમયમર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૮ સુધી લંબાવી દીધી છે. ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ સમગ્ર યોજના માટે ₹૧૧,૯૦૦ કરોડનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના લંબાવાતાં ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારતા ગ્રાહકોને રાહત મળી છે, પરંતુ તેની સાથે જ ઈ-ટુ-વ્હીલર પર મળતી સબસિડીના દરોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

નવા નિયમો અનુસાર, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પર અગાઉ મળતું ₹૫,૦૦૦ પ્રતિ kWh નું પ્રોત્સાહન ઘટાડીને હવે ₹૨,૫૦૦ પ્રતિ kWh કરી દેવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે વાહન દીઠ મળતી મહત્તમ સબસિડીની મર્યાદા ₹૧૦,૦૦૦ થી ઘટીને હવે ₹૫,૦૦૦ થઈ ગઈ છે. એટલે કે, નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને હવે પહેલા કરતાં અડધો જ લાભ મળશે. આ પ્રોત્સાહન માત્ર એવા જ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને મળશે જેની મહત્તમ એક્સ-ફેક્ટરી કિંમત ₹૧.૫ લાખ સુધીની હશે, અને સબસિડીની રકમ વાહનની કિંમતના ૧૫ ટકાથી વધુ હોવી જોઈએ નહીં.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ કોઈપણ ઘટક માટે દાવા સબમિટ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૭ રહેશે, જ્યારે યોજનાની આખરી મુદત ૩૧ માર્ચ, ૨૦૨૮ સુધી લંબાવાઈ છે. આ યોજના મર્યાદિત ભંડોળ પર આધારિત હોવાથી જો નક્કી કરાયેલું બજેટ સમયસર પૂરું થઈ જશે તો યોજના અકાળે પણ બંધ થઈ શકે છે. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરાયેલા આ નિર્ણયથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી અને ગ્રાહકો બંને માટે ઈ-વહિકલ ખરીદીનું ગણિત બદલાશે.

(7:00 PM IST)