<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાષ્ટ્રપતિની 'વંદે માતરમ' બિલને મંજૂરી: હવે અનાદર કરનાર કે અટકાવનારને થશે જેલ : ‘જન ગણ મન’ સમાન કાનૂની રક્ષણ આપતો નવો કાયદો અમલી

રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક ૨૦૨૬ બાદ ‘વંદે માતરમ’ માં ખલેલ પહોંચાડવા પર ૩ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ : આ વખતે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ગવાશે રાષ્ટ્રગીતના તમામ શ્લોક

નવી દિલ્હી :  ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬’ ને મંજૂરી આપી દીધી છે, જેની સાથે જ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ને હવે રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન કાનૂની રક્ષણ મળી ગયું છે. નવા કાયદા મુજબ, વંદે માતરમ ગાવામાં ઇરાદાપૂર્વક અવરોધ ઊભો કરવો, અનાદર કરવો કે ગાન કરી રહેલી સભામાં ખલેલ પહોંચાડવી એ હવે સજાપાત્ર ગુનો બનશે. આ ગુના માટે દોષિત ઠરનાર વ્યક્તિને મહત્તમ ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે, જ્યારે બીજી વાર ગુનો કરવા પર ઓછામાં ઓછી ૧ વર્ષની કેદની જોગવાઈ કરાઈ છે.

આ સુધારા વિધેયક સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આપેલા વચન મુજબ બંકિમચંદ્ર ચેટર્જી રચિત આ અમર ગીતને રાષ્ટ્રગાન સમકક્ષ દરજ્જો આપવા માટે આ કાયદાકીય કલમ ૩ માં સુધારો કરવો અનિવાર્ય હતો. આ કાયદો અમલી બનતા જ આ વર્ષે ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પ્રથમ વખત લાલ કિલ્લા પરથી વંદે માતરમનું સત્તાવાર ગાન કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા પ્રોટોકોલ અનુસાર, સરકારી કાર્યક્રમો, રાષ્ટ્રપતિના આગમન તેમજ ધ્વજવંદન જેવા પ્રસંગોએ વંદે માતરમના તમામ છ શ્લોકો (જેનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડનો રહેશે) રાષ્ટ્રગાન પહેલાં ગાવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. વંદે માતરમને મળેલા આ કાનૂની રક્ષણ બાદ દેશભરમાં રાષ્ટ્રીય પ્રતીકોના સન્માનને લઈને એક નવો કાયદાકીય માળખો તૈયાર થયો છે.

(7:00 PM IST)