ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે રાજકારણ ગરમાયું: બ્રિજેશ પાઠકે રાહુલ ગાંધી પર બેવડા ધોરણ અપનાવવાનો લગાવ્યો ગંભીર આક્ષેપ!
જંતર-મંતર પર યુવાનો માટે બોલતા રાહુલ ગાંધી રાંચીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે મૌન કેમ?: યુપીના નાયબ મુખ્યમંત્રીના ધારદાર સવાલો

લખનૌ: વિદ્યાર્થીઓના આંદોલન અને વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશનું રાજકારણ ભારે ગરમાયું છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર “બેવડા ધોરણ” અપનાવવાનો આક્ષેપ કરીને તીખો પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસિત રાજ્યો કે કેન્દ્ર સરકાર સામે વિદ્યાર્થીઓ વિરોધ કરે ત્યારે રાહુલ ગાંધી તાત્કાલિક મેદાનમાં આવી જાય છે, પરંતુ ઝારખંડમાં જ્યાં કોંગ્રેસ ગઠબંધન સરકારનો ભાગ છે, ત્યાં વિદ્યાર્થીઓ પર થયેલા નિર્મમ પોલીસ કાર્યવાહી સામે તેઓ મૌન સેવી રહ્યા છે.
રાંચીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ
એક પત્રકાર પરિષદને સંબોધતા બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે ઝારખંડની રાજધાની રાંચીમાં સરકારી નોકરીઓ, ભરતી પ્રક્રિયા અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓ પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસે વોટર કેનન છોડ્યા હતા અને દંડા પછાડીને લાઠીચાર્જ કર્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવા છતાં, દિલ્હીના જંતર-મંતર પર યુવાનો માટે સહાનુભૂતિ દર્શાવતા રાહુલ ગાંધીના મોંમાંથી એક પણ શબ્દ નીકળ્યો નથી.
સંસદમાં ચર્ચા કરવાથી ભાગવાનો કોંગ્રેસ પર આરોપ
યુપીના નાયબ મુખ્યમંત્રીએ સંસદની કાર્યવાહીમાં સતત વિક્ષેપ પાડવા બદલ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સરકાર NEET અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર હતી અને શિક્ષણ મંત્રી તમામ સવાલોના જવાબ આપવા સક્ષમ હતા. પરંતુ, રાહુલ ગાંધી અને તેમની પાર્ટીને વાસ્તવિક મુદ્દાઓ ઉકેલવામાં કે રચનાત્મક ચર્ચામાં રસ નથી, તેઓ માત્ર રાજકીય રોટલા શેકવા માંગે છે. પાઠકે માગ કરી હતી કે રાહુલ ગાંધી ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારની નિંદા કરે અને દેશના યુવાનોની માફી માંગે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
