<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

૯૯ વર્ષની ઉંમરે પણ ભણાવવાનો અદમ્ય ઉત્સાહ: કેરળના ભૂતપૂર્વ હેડમાસ્ટર આજે પણ બાળકોને માર્ગદર્શન આપવા રહે છે તત્પર!

સાત દાયકાથી વધુ સમય શિક્ષણ ક્ષેત્રે વિતાવનાર 'વાલીયા માશ' ની અનોખી જીવનયાત્રા; શતાબ્દી વર્ષની નજીક હોવા છતાં ટ્યુશન સેન્ટર સાથે જાળવી રાખ્યો ગાઢ નાતો

પલક્કડ:  એક સદી એટલે કે ૧૦૦ વર્ષનું આયુષ્ય એવો સીમાચિહ્નરૂપ તબક્કો છે જે બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. પરંતુ કેરળના પલક્કડ જિલ્લાના ૯૯ વર્ષીય નિવૃત્ત હેડમાસ્ટર પી. કૃષ્ણનુન્ની નાયર માટે ૯૯ ની વયે પહોંચવાનો અર્થ નિવૃત્તિ કે આરામ નથી. ૭ સાત દાયકાથી વધુ સમયથી શિક્ષણ કાર્યમાં સક્રિય રહેલા આ શિક્ષક આજે પણ પોતાના દ્વારા સ્થાપિત ટ્યુશન સેન્ટરમાં નિયમિત હાજરી આપે છે અને વિદ્યાર્થીઓને જ્ઞાનનો પ્રકાશ વહેંચી રહ્યા છે.

 

૧૯૮૨માં નિવૃત્ત થયા બાદ શરૂ કર્યું ટ્યુશન સેન્ટર

૧૫ માર્ચ ૧૯૨૭ના રોજ જન્મેલા અને પ્રેમથી 'વાલીયા માશ' તરીકે ઓળખાતા કૃષ્ણનુન્ની નાયરે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દી ૧૯૪૯માં શરૂ કરી હતી. તેઓ માલામાક્કાવુની AUP સ્કૂલમાં લાંબો સમય હેડમાસ્ટર તરીકે સેવા આપી ૧૯૮૨માં નિવૃત્ત થયા હતા. જોકે, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ એવો હતો કે નિવૃત્તિના તુરંત બાદ તેમણે થ્રિથલા ખાતે 'માસ્ટર્સ ટ્યુશન સેન્ટર'ની સ્થાપના કરી. આજે તેમની ત્રીજી પેઢી આ સંસ્થા સંભાળે છે, જ્યાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ કૃષ્ણનુન્ની માશ આજે પણ રોજ સવારે બાળકોને મળવા અને તેમનું માર્ગદર્શન કરવા પહોંચી જાય છે.

 

વિદેશમાં વસેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ માનવા આવે છે આભાર

પોતાના સાદા અને શિસ્તબદ્ધ જીવનને પોતાની દીર્ઘાયુ અને સ્વસ્થતાનું રહસ્ય ગણાવતા કૃષ્ણનુન્ની સર કહે છે કે બાળકો સાથે વાતચીત કરવાથી તેમને શાંતિ મળે છે. તેમની સફળતાનો પુરાવો એ વાત પરથી મળે છે કે તાજેતરમાં બહેરીનથી આવેલા તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી મુહમ્મદ ફસલે ખાસ તેમને મળીને આભાર માન્યો હતો. ફસલે જણાવ્યું કે કૃષ્ણનુન્ની સરે શીખવેલા અંગ્રેજી અને આપેલા આત્મવિશ્વાસને કારણે જ તે આજે વિદેશમાં સારી આજીવિકા મેળવી રહ્યો છે. જીવનભર વિદ્યાર્થી બનીને રહેવાની આ ભૂતપૂર્વ મુખ્ય શિક્ષકની ભાવના આજે સમાજ માટે પ્રેરણાસ્રોત બની છે.

 

(7:52 PM IST)