<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

"તમે તલવારથી મચ્છરો મારી રહ્યા છો": FDA ને અતિશય આકરા દરોડા પાડવા બદલ બોમ્બે હાઈકોર્ટનો ભારે ઠપકો

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સામે મહારાષ્ટ્ર FDA નો વેચાણ બંધ કરવાનો વિવાદસ્પદ આદેશ રદ : કાયદાકીય પ્રક્રિયા વિના "પહેલા ગોળી મારો, પછી પ્રશ્નો પૂછો" ની નીતિ સામે અદાલતની આકરી ટિપ્પણી

મુંબઈ:   બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ની આકરી ઝાટકણી કાઢતાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સામે જારી કરાયેલા વેચાણ અને વિતરણ અટકાવવાના આદેશને પાછો ખેંચવા મજબૂર કર્યું છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર.વી. ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે કેડિલાની અરજી પર સુનાવણી કરતી વખતે FDA ની કાર્યવાહીની શૈલી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તીખો પ્રહાર કરતા કહ્યું કે "પહેલા ગોળીબાર કરવો અને પછી પ્રશ્નો પૂછવા એ વાઇલ્ડ વેસ્ટ કે આદિવાસી વિસ્તારનો નિયમ હોઈ શકે છે, પરંતુ સભ્ય સમાજ કે કાયદાના શાસનમાં તેનું કોઈ સ્થાન નથી."

હાઈકોર્ટે FDA ની સત્તાઓનો અસંતુલિત અને ગેરવાજબી ઉપયોગ સામે સવાલો ઉઠાવતા સરકારી વકીલને ટાંક્યું હતું કે, "તમારી પાસે સત્તા રૂપી તલવાર છે તેનો અર્થ એ નથી કે તમે તેનાથી મચ્છરો મારવાનું શરૂ કરી દો." FDA કમિશનર તુકારામ મુંધેના આદેશથી કંપનીની અનેક મહત્વપૂર્ણ દવાઓ જપ્ત કરી લેવાઈ હતી, જેના કારણે છેલ્લા ૩૨ દિવસથી દર્દીઓ સુધી જરૂરી દવાઓ પહોંચી શકી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેને ફાર્મા કંપનીના નાણાકીય નુકસાન કરતા દર્દીઓને થયેલી હાલાકી અને દવાઓની અછતની વધુ ચિંતા છે, કારણ કે યોગ્ય તપાસ વિના આવી સખત કાર્યવાહી કરી શકાય નહીં.

જવાબમાં FDA એ દલીલ કરી હતી કે કેડિલાની કેટલીક દવાઓમાં સમાન બ્રાન્ડિંગ અને અલગ-અલગ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API) હોવાથી દર્દીઓમાં મૂંઝવણ ઉભી થવાનું જોખમ હતું. જોકે, અદાલતે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના આવી મનસ્વી કાર્યવાહી કરવામાં આવશે તો FDA પર ભારે દંડ ફટકારવામાં આવશે. હાઈકોર્ટના કડક વલણ બાદ મહારાષ્ટ્ર FDA એ આદેશ પાછો ખેંચવાની અને કેડિલાને નવી કારણદર્શક નોટિસ આપીને પૂરતી સુનાવણી બાદ જ આગળ વધવાની કોર્ટમાં ખાતરી આપી હતી.

(8:38 PM IST)