તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
આનંદનગર દુષ્કર્મ કેસમાં સુરક્ષાનો જ કિલ્લો કાગળનો નીકળ્યો : લાઇસન્સ વગર એજન્સી ચલાવનાર રામપ્રકાશ તિવારીની ધરપકડ
તપાસમાં એજન્સીનું લાઇસન્સ ૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ જ સમાપ્ત થઈ ગયું હોવા છતાં એજન્સી ચાલુ રાખવામાં આવી હોવાનું બહાર આવ્યું

અમદાવાદ : જોધપુર-આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે સુરક્ષા ગાર્ડ દ્વારા કથિત દુષ્કર્મના કેસની તપાસમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થતાં પોલીસે એ-વન સિક્યુરિટી એજન્સીના સંચાલક રામપ્રકાશ તિવારીની ધરપકડ કરી છે. તપાસમાં એજન્સીનું લાઇસન્સ ૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ જ સમાપ્ત થઈ ગયું હોવા છતાં એજન્સી ચાલુ રાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ એજન્સીએ મુખ્ય આરોપી સુરક્ષા ગાર્ડ ધર્મસિંહ રામશંકર સિંહ રાઠોડને જરૂરી તાલીમ અને પોલીસ ચકાસણી પૂર્ણ કર્યા વગર નોકરી ઉપર રાખ્યો હતો. ઘટના બન્યાના માત્ર થોડા દિવસ પહેલાં જ તેને ફરજ ઉપર મુકાયો હતો. આનંદનગર પોલીસે એજન્સી અને તેના સંચાલક સામે અલગ કાર્યવાહી હાથ ધરી છે.
આઠ ઓગસ્ટની રાત્રે પીજીમાં રહેતી યુવતી બિલ્ડિંગની અગાશી ઉપર હતી ત્યારે સુરક્ષા ગાર્ડે તેના પર હુમલો કરી કથિત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પોલીસે અનેક ટીમ બનાવી આરોપી ગાર્ડને હેબતપુર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
પછી મોબાઇલ ફોનની રિકવરી માટે લઈ જવાતાં આરોપીએ ભાગવાનો અને પોલીસ અધિકારીની સર્વિસ પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. અથડામણમાં એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી અને પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ મામલે બોડકદેવ પોલીસ મથકે અલગ ગુનો પણ નોંધાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
