હવે સોના અને ચાંદીની રાખડીનો ક્રેઝ વધ્યોઃ BRO અને VEERA ડિઝાઇનની સૌથી વધુ ડિમાન્ડ
રક્ષાબંધન નજીક આવતા રાજકોટની સોની બજારમાં ખરીદીનો માહોલ જામ્યો : ચાંદીની રાખડી રૂપિયા ૫૦૦ થી અને સોનાની રાખડી અડધા ગ્રામથી મળે છે. ઓછા બજેટમાં કિમતી ધાતુ મળતી હોવાથી ચાંદીની રાખડીની સૌથી વધુ ડિમાન્ડઃ તમામ રાખડીઓ રાજકોટના સ્થાનિક કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવી રહી છે

રાજકોટ,તા.૧૨: રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં રાખડીની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંપરાગત રાખડીની સાથે હવે સોના અને ચાંદીની રાખડીનું ચલણ પણ વધ્યું છે. રાજકોટની સોની બજારમાં ખાસ કરીને ચાંદીની રાખડીની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી રહી છે. ઓછા બજેટમાં આકર્ષક અને કિમતી ધાતુની રાખડી મળી રહેતી હોવાથી ગ્રાહકોમાં સોના-ચાંદીની રાખડીનો ક્રેઝ વધ્યો છે.
એશિયાની જૂની અને જાણીતી બજારોમાં સોની બજારનો સમાવેશ થાય છે. રક્ષાબંધન જેવા તહેવારોમાં આ સોની બજારમાં ખાસ રોનક જોવા મળે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પર્વને લઈને લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે પરંપરાગત રાખડીની સાથે સોના અને ચાંદીની રાખડી પણ લોકોની પસંદ બની રહી છે.
શ્રીજી જ્વેલર્સના ઓનર મિહિર પાલાના જણાવ્યા મુજબ, તેમની દુકાન પર દર વર્ષે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સોના અને ચાંદીની ખાસ રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પણ વિવિધ ડિઝાઇન અને બજેટમાં રાખડીઓ ઉપલબ્ધ છે. ચાંદીની રાખડીની શરૂઆત માત્ર ૫૦૦ રૂપિયાથી થાય છે, જ્યારે સોનાની રાખડી અડધા ગ્રામથી શરૂ થાય છે. ઓછા બજેટમાં સોના-ચાંદી જેવી કિમતી ધાતુની રાખડી મળતી હોવાથી ગ્રાહકોમાં તેનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ખાસ કરીને ચાંદીની રાખડી સામાન્ય ગ્રાહકોના બજેટમાં આવતી હોવાથી તેની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે.
આ વર્ષે રાખડીની ડિઝાઇનમાં પણ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં BRO અને VEERA લખેલી રાખડીઓની ખાસ માંગ છે. મિહિર પાલાના જણાવ્યા પ્રમાણે, અત્યારે તેમની પાસે આવતા અંદાજે ૯૦ ટકા ગ્રાહકો BRO અથવા VEERA લખેલી રાખડી લેવાનું પસંદ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે રક્ષાબંધનના પર્વે ભાઈ-બહેનના પ્રેમની સાથે રાખડીની ડિઝાઇનમાં પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે રાજકોટમાં વેચાતી આ રાખડીઓ માટે સ્થાનિક કારીગરોની મહેનત પણ જોડાયેલી છે. આ રાખડીઓ રાજકોટના જ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. એટલે સ્થાનિક કારીગરોની કારીગરી અને તહેવારની લાગણીનું સુંદર સંયોજન આ રાખડીઓમાં જોવા મળે છે.
હાલમાં સૌથી વધારે ડિમાન્ડ ચાંદીની રાખડીની છે. ગ્રાહકો પોતાની પસંદ અને બજેટ પ્રમાણે અલગ-અલગ ડિઝાઇનની રાખડીઓ ખરીદી રહ્યા છે. એક તરફ પરંપરાગત રાખડીની ખરીદી ચાલી રહી છે, તો બીજી તરફ સોના-ચાંદીની રાખડીમાં લોકોનો વધતો રસ બજારમાં નવી ટ્રેન્ડને દર્શાવી રહ્યો છે. રક્ષાબંધનના પર્વને લઈને બજારમાં જેમ-જેમ ખરીદી વધશે તેમ સોના-ચાંદીની રાખડીની ડિમાન્ડમાં પણ વધુ વધારો થવાની વેપારીઓને આશા છે. ખાસ કરીને BRO અને VEERA જેવી લખાણવાળી રાખડીઓ આ વર્ષે ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
