રેલ્વે કર્મચારીઓ માટે મોટી ભેટઃ ૨ વર્ષ પૂરા કર્યા વિના પણ મળશે ધમાકેદાર પ્રમોશન!
એડહોક સેવા પણ ગણાશે અને ખાલી જગ્યા મૂલ્યાંકન પ્રક્રિયાના આધારે સીધી લાયકાત નક્કી થશે

નવી દિલ્હી, તા.૧૨: ભારતીય રેલ્વેએ તેના લાખો કર્મચારીઓ માટે પ્રમોશન પ્રક્રિયામાં એક ક્રાંતિકારી સુધારો કરીને કરિયરમાં ઝડપી પ્રગતિના નવા દરવાજા ખોલી દીધા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા આદેશ અનુસાર, હવે કર્મચારીઓએ ઉચ્ચ ગ્રેડ મેળવવા માટે અગાઉના પદ પર સતત બે વર્ષની કડક સેવા પૂર્ણ કરવાની અનિવાર્ય રાહ જોવી પડશે નહીં. અગાઉ, પ્રમોશન પ્રક્રિયા શરૂ થવાના દિવસે જ બે વર્ષ પૂર્ણ ન થવાના કારણે અનેક લાયક કર્મચારીઓ અયોગ્ય જાહેર થતા હતા. આ મૂંઝવણ દૂર કરી રેલવેએ નિયમોમાં મોટો સાનુકૂળ ફેરફાર કર્યો છે, જેથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
નવા નિયમો મુજબ, લઘુત્તમ સેવાની ગણતરી હવે ખાલી જગ્યાઓના મૂલ્યાંકન સમયગાળા સાથે જોડવામાં આવી છે. લેખિત પરીક્ષા અને મેરિટ આધારિત પ્રમોશન માટે ૧૫ મહિનાના વિન્ડો પિરિયડમાં અને વરિષ્ઠતા આધારિત બઢતી માટે ૧૨ મહિનાના ચક્ર દરમિયાન ૨ વર્ષની સેવાની શરત પૂરી કરવાની રહેશે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારીએ નિયમિત નિમણૂક પહેલાં વિના વિરામે એડહોક સેવા આપી હશે, તો તે સમયગાળો પણ આ બે વર્ષની લઘુત્તમ સેવામાં ગણી લેવામાં આવશે. આ સુધારાને કારણે જુનિયર કર્મચારીઓને પણ સમયસર બઢતીનો સીધો લાભ મળશે.
ડેપ્યુટી ડિરેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ અજય ગોયલે સ્પષ્ટ કર્યું છે કે આ નવો નિયમ હાલની અને ભવિષ્યની તમામ પ્રમોશન પ્રક્રિયાઓને તુરંત અસરથી લાગુ પડશે, જોકે જૂના બંધ થઈ ગયેલા કેસો ફરી ખોલવામાં આવશે નહીં. રેલ્વેના આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
