<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

રાયગઢની શાલેય વિદ્યાર્થિનીઓનો વાયરલ ‘પોટહોલ વિડીયો’ લાવ્યો રંગ: તંત્ર જાગ્યું, કર્જત રોડનું સમારકામ રાતોરાત શરૂ!

"રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો?" – ફોલ્ડ કરેલી છત્રીને માઈક બનાવીને રસ્તાની ખરાબ હાલતનું રિપોર્ટિંગ કરનાર ત્રણ શાળાની બાળકીઓની અનોખી વિરોધ શૈલીએ સત્તાધીશોને દોડતા કર્યા.

મુંબઈ: તા.12 મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાંથી એક દિલચસ્પ અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ શાલેય છોકરીઓના એક નાનકડા વિડીયોએ સ્થાનિક પ્રશાસન અને નેતાઓને ઊંઘમાંથી જગાડી દીધા છે. કર્જત તાલુકામાં આવેલા ખાંડપે-કોંડીવાડે રોડ પર પડેલા મોટા મોટા ખાડાઓથી પરેશાન થઈને આ વિદ્યાર્થીનીઓએ એક અનોખા અંદાજમાં વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાં જ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને રાતોરાત રસ્તાનું સમારકામ શરૂ કરવું પડ્યું હતું.

 

વાયરલ થયેલા આ વિડીયોમાં એક સ્કૂલની છોકરી હાથમાં બંધ છત્રીને 'રિપોર્ટર માઈક' (બૂમ) ની જેમ પકડીને પોતાની બહેનપણીનો ઇન્ટરવ્યુ લેતી 'રિપોર્ટર' તરીકે જોવા મળે છે, જ્યારે ત્રીજી વિદ્યાર્થિની કેમેરાપર્સન બનીને મોબાઈલમાં આ આખું શૂટિંગ કરી રહી છે. રસ્તાની વચ્ચે ઉભા રહીને કટાક્ષ કરતા વિદ્યાર્થિની પૂછે છે કે, "રસ્તા પર ખાડા છે કે પછી ખાડાઓમાં રસ્તો છે?" વિડીયોના અંતમાં તે પોતાની ઓળખ આપતા કહે છે, "આ રિપોર્ટર નેહા ઘેરે અને કેમેરાપર્સન માનસી પવાર છે."

 

આ બાળકીઓની નિર્દોષ પરંતુ ધારદાર રજૂઆતનો વિડીયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો અને લોકોએ તેમના આ નવતર પ્રયોગના ભારે વખાણ કર્યા. સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થતાં જ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર થોર્વે તુરંત હરકતમાં આવ્યા હતા અને ઘટનાસ્થળે રાતોરાત ખાડા પૂરીને રસ્તાને કામચલાઉ ધોરણે સરખો કરવાનું કામ શરૂ કરાવ્યું હતું.

 

સમારકામ અંગે સ્પષ્ટતા આપતા સત્તાધારી શિવસેનાના ધારાસભ્ય થોર્વેએ જણાવ્યું હતું કે, "ભારે વરસાદના કારણે રસ્તાનો કેટલોક ભાગ ધોવાઈ ગયો હતો. હાલ પુરતું સમારકામ કરી દેવામાં આવ્યું છે અને ચોમાસું પૂરું થતાં જ આ રસ્તો સંપૂર્ણપણે નવો બનાવવામાં આવશે." બાળકીઓની આ સોશિયલ મીડિયા જાગૃતિએ સાબિત કરી દીધું છે કે જો સાચો અવાજ ઉઠાવવામાં આવે તો તંત્રને ઝૂકવું જ પડે છે.

(3:50 PM IST)