News of Wednesday, 12th August 2026
રશિયા અને યુક્રેન વચ્ચેના અબજો ડોલરના હાઈપ્રોફાઈલ વિવાદમાં ભૂતપૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડની મોટી એન્ટ્રી: રશિયાએ બનાવ્યા પોતાના આર્બિટ્રેટર!
યુક્રેનની સરકારી બેંક ઓશચાડબેંક સાથેના મલ્ટિ-બિલિયન ડોલરના રોકાણ સંધિ વિવાદનો ઉકેલ લાવવા માટે પુતિન સરકારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પર મુક્યો વિશ્વાસ.

મોસ્કો: તા.12 ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. રશિયાએ યુક્રેનની સરકારી બેંક 'ઓશચાડબેંક' (Oschadbank) સાથે ચાલી રહેલા અબજો ડોલરના હાઈપ્રોફાઈલ મધ્યસ્થતા (Arbitration) વિવાદમાં ન્યાયમૂર્તિ ચંદ્રચૂડને પોતાના મધ્યસ્થી (આર્બિટ્રેટર) તરીકે નિયુક્ત કર્યા છે. 'ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ' ના અહેવાલ મુજબ, યુક્રેનની બેંક દ્વારા દાવો કરવામાં આવેલા આ કરોડો ડોલરના આંતરરાષ્ટ્રીય કાનૂની જંગમાં ભૂતપૂર્વ CJI ની પસંદગી ભારતીય ન્યાયતંત્ર માટે પણ ગૌરવની ક્ષણ ગણાઈ રહી છે.
આ હાઈ-સ્ટેક્સ વિવાદની સુનાવણી ૧૯૯૮ માં રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિ (Bilateral Investment Treaty) ના કાનૂની માળખા હેઠળ ત્રણ સભ્યોની વિશેષ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી રહી છે. આ વૈશ્વિક કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોસ્ટા રિકાના ભૂતપૂર્વ વેપાર મંત્રી અને જાણીતા આર્બિટ્રેટર ડાયલા જીમેનેઝને બંને દેશોની સંમતિથી ટ્રિબ્યુનલના પ્રમુખ (પ્રેસિડેન્ટ) તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ગ્લોબલ લીગલ અને ડિપ્લોમેટિક વર્તુળોમાં આ નિમણૂકની ભારે ચર્ચા થઈ રહી છે, કારણ કે યુક્રેન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે રશિયાએ એક નિષ્પક્ષ અને વૈશ્વિક સ્તરે સન્માનિત ભારતીય કાનૂની નિષ્ણાત પર પોતાની પસંદગી ઉતારી છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડનો દીર્ઘ કાનૂની અનુભવ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ પરની તેમની પકડ આ જટિલ નાણાકીય અને રાજદ્વારી વિવાદનો ન્યાયી ઉકેલ લાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
