હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેશ-એટ-હોમ કેસમાં ભૂતપૂર્વ હાઇકોર્ટ જજ યશવંત વર્મા ફસાયા: લોકસભા તપાસ પેનલે મૂક્યો ગંભીર આરોપ!
સત્તાવાર નિવાસસ્થાને બિનહિસાબી રોકડ મળી આવવા અંગે ન્યાયાધીશનો ખુલાસો ‘અસંતોષકારક’ જણાયો; તપાસ દરમિયાન રાજીનામું આપ્યા બાદ હવે કાનૂની કાર્યવાહી પર સર્જાયું સસ્પેન્સ.

નવી દિલ્હી: તા.12 ચર્ચિત ‘કેશ-એટ-હોમ’ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લોકસભાની ત્રણ સભ્યોની તપાસ સમિતિએ બુધવારે ભૂતપૂર્વ જજ યશવંત વર્મા સામે ગંભીર આરોપો ઘડ્યા છે. ન્યાયાધીશના સત્તાવાર નિવાસસ્થાનેથી મળી આવેલી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ અંગે તેમણે આપેલો સ્પષ્ટતા અને ખુલાસો પેનલને અત્યંત "છૂટાછવાયા" અને "અસંતોષકારક" લાગ્યા હતા, જેના આધારે સમિતિએ આ આકરો નિર્ણય લીધો છે.
આ સમગ્ર વિવાદ માર્ચ ૨૦૨૫ માં ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે જસ્ટિસ વર્માના સરકારી બંગલાના આઉટહાઉસમાં અચાનક આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવતી વખતે ત્યાંથી આંશિક રીતે બળેલી અને મોટી માત્રામાં બિનહિસાબી રોકડ રકમ મળી આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા. જોકે, વર્માએ આ રોકડ રકમ અંગે પોતાની પાસે કોઈ જાણકારી ન હોવાનું કહીને તમામ નાણાકીય ગેરરીતિના આક્ષેપોને ફગાવી દીધા હતા.
આ ઘટના બાદ ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દ્વારા આદેશ આપવામાં આવેલી આંતરિક તપાસમાં જસ્ટિસ વર્મા દોષી જણાતા મામલો વધુ ઘેરો બન્યો હતો. ત્યારબાદ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિવિધ રાજકીય પક્ષોના સાંસદોના પ્રસ્તાવને આધારે ‘ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ’ હેઠળ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની વિશેષ તપાસ પેનલની રચના કરી હતી.
આ વિવાદ અને તપાસ પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન જ ન્યાયાધીશ વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે લોકસભા તપાસ કમિટીના આ તારણો સામે આવ્યા બાદ સંસદ તેમની સામે આગળની કાર્યવાહી કરશે કે નહીં તે અંગે કાનૂની વર્તુળોમાં ચર્ચા જાગી છે. કેટલાક કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે જજ તરીકે રાજીનામું આપ્યા પછી ન્યાયાધીશ (તપાસ) અધિનિયમની જોગવાઈઓ ફક્ત ચાલુ સેવા ધરાવતા ન્યાયાધીશો પર જ લાગુ કરી શકાય છે, જેના કારણે આ કેસમાં કાનૂની ગૂંચવણ ઊભી થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
