News of Wednesday, 12th August 2026
બિહારના નાગરિકો માટે મોદી સરકારની મોટી ભેટ: માત્ર ₹૨ માં મળશે તબીબી સારવાર, ૫૯૮ નવા આરોગ્ય કેન્દ્રોને મળી લીલી ઝંડી!
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ હેઠળ બિહારના શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માળખાકીય ફેરફારો; ઝૂંપડપટ્ટીના ગરીબોથી લઈને વિદ્યાર્થીઓ સુધી સૌને મળશે મફત દવાઓ અને તપાસનો લાભ.

પટના: તા.12 કેન્દ્રની મોદી સરકારે બિહારના શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું સશક્ત નેટવર્ક ઊભું કરવા તરફ એક મોટું અને રાહતજનક કદમ ઉઠાવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની કાર્ય યોજના હેઠળ રાજ્યમાં ૧૬૪ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHCs) અને ૪૩૪ શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (UHWCs) ની સ્થાપના તથા સંચાલનને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બિહારના શહેરોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓ વધુ મજબૂત બનશે અને સામાન્ય નાગરિકોને ઘરની નજીક જ શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ નવી પહેલથી કુલ ૫૯૮ આરોગ્ય કેન્દ્રોનું વિસ્તરણ થશે, જેનો સૌથી વધુ લાભ શહેરી ગરીબો અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા લોકોને મળશે. હવે સ્થાનિક લોકોને સામાન્ય બીમારીઓની સારવાર માટે દૂર-દૂરની હોસ્પિટલોના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. આ તમામ કેન્દ્રો પર દર્દીઓ માત્ર ૨ રૂપિયાની મામૂલી ફી ચૂકવીને OPD સ્લિપ મેળવી શકશે અને અનુભવી ડોક્ટરોની સલાહ લઈ શકશે. આ ઉપરાંત મફત દવાઓનું વિતરણ, માતા અને બાળ આરોગ્ય સંભાળ, નિયમિત રસીકરણ અને કુટુંબ નિયોજન જેવી આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
કામકાજી વર્ગ અને સામાન્ય લોકો પોતાની સુવિધા મુજબ સારવાર કરાવી શકે તે માટે સમયપત્રક પણ અત્યંત અનુકૂળ રાખવામાં આવ્યું છે. UPHC ખાતે સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી જ્યારે UHWC ખાતે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી OPD સુવિધા કાર્યરત રહેશે. આ સિવાય રાજધાની પટનાના ૧૧ પબ્લિક સર્વિસ સેન્ટરોને આધુનિક હેલ્થ સેન્ટરોમાં અપગ્રેડ કરવામાં આવશે. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સમયાંતરે વિશેષ આયુષ્માન આરોગ્ય શિબિરોનું આયોજન કરીને બ્લડ પ્રેશર અને સુગર જેવી બીમારીઓની તપાસ પણ મફતમાં કરાશે.
યુવાનો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે વધુ એક બહુભોગ્ય નિર્ણય લીધો છે. બિહારના શહેરી વિસ્તારોમાં આવેલી ૧૯ સરકારી પોલિટેકનિક અને ૧૪ સરકારી એન્જિનિયરિંગ કોલેજોના કેમ્પસમાં પણ આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે, જેથી હજારો વિદ્યાર્થીઓને તેમની સંસ્થાની અંદર જ તાત્કાલિક પ્રાથમિક સારવારની સુવિધા મળી રહેશે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
